________________
૧૫૬
નિત્યનિયમાદિ પાઠ
ભાસ્યો છે; પણ આત્મા અને દેહ બન્ને જુદાં છે, કેમકે બેય જુદાં જુદાં લક્ષણથી પ્રગટ ભાનમાં આવે છે.
અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહના પરિચયથી દેહ જ આત્મા ભાસ્યો છે; અથવા દેહ જેવો આત્મા ભાસ્યો છે; પણ જેમ તરવાર ને મ્યાન, મ્યાનરૂપ લાગતાં છતાં બન્ને જુદાં જુદાં છે, તેમ આત્મા અને દેહ બન્ને જુદાં જુદાં છે. (૪૯-૫૦)
ભાવાર્થ :– આત્મા છે એ પદ સમજાવવામાં અહીં દેહ અને આત્મા એ બે પદાર્થ તરફ ધ્યાન ખેંચ્યું છે. અનાદિકાળથી જીવ આત્માને ભૂલી ગયો છે તેનું કારણ કે તે જેટલી ઇંદ્રિય મળી હોય તે દ્વારા બહાર ને બહાર જ જોયા કરે છે.
मत्तश्च्युत्वेन्द्रियद्वारैः पतितो विषयेष्वहम् ।
तान्प्रपद्याहमिति मां पुरा - वेद न तत्त्वतः ॥ १६ ॥ (સમાધિશતર) ઇન્દ્રિયોને પ્રાપ્ત કરીને એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના ભવમાં વિષયોરૂપ કૂવામાં પડ્યો તેથી આત્માને જાણી શક્યો નહીં. સત્સંગમાં પણ મિથ્યાગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ અને ઇંદ્રિયવિષયથી આત્મા પ્રત્યે ઉપેક્ષા થાય તો સત્સંગ સફળ ન થાય એમ કહ્યું છે. પરંતુ સાચી ભક્તિથી આ દોષો જાય. કારણ કે સત્પુરુષ પ્રત્યે રુચિ થતાં તેમને ઘડી પણ ન વીસરે ત્યારે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે ઉદાસીનતા આવે અને આત્માનો લક્ષ થાય.
આત્મા શાથી જણાય ? વિચારપૂર્વક ભેદ પાડવાથી. અગ્નિ હોય તે ચીપિયાથી પકડાય તેમ આત્મા ઓળખવા તેનાં લક્ષણો વિચારે; જ્ઞાન દર્શન રૂપ તે જ આત્મા. તેને બીજા વિભાવો,