________________
૧૪૨
નિત્યનિયમાદિ પાઠ
તે તપાસે નહીં. આત્માર્થે કરવાનો લક્ષ ન હોય તેથી તપાદિ કરીને લોકમાં સારું કહેવડાવવાનો, ધર્મિષ્ઠ કે જ્ઞાની કહેવડાવવાનો જાણતાં અજાણતાં લક્ષ રહે. આટલે સુધી ક્રિયાજડનું વર્ણન કર્યું. (૨૮)
અથવા નિશ્ચયનય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોપે સદ્વ્યવહારને, સાઘન રહિત થાય. ૨૯
અર્થ :— અથવા ‘સમયસાર' કે ‘યોગવાસિષ્ઠ' જેવા ગ્રંથો વાંચી તે માત્ર નિશ્ચયનયને ગ્રહણ કરે. કેવી રીતે ગ્રહણ કરે ? માત્ર કહેવારૂપે; અંતરંગમાં તથારૂપ ગુણની કશી સ્પર્શના નહીં, અને સદ્ગુરુ, સાસ્ત્ર તથા વૈરાગ્ય, વિવેકાદિ સાચા વ્યવહારને લોપે, તેમજ પોતાને જ્ઞાની માની લઈને સાધનરહિત વર્તે. (૨૯)
ભાવાર્થ :— ૭. હવે શુષ્કજ્ઞાની વિષે કહે છે કે નિશ્ચયનયના કથનને, વર્ણનને સાંભળીને આત્મા અજર અમર છે, શુદ્ધ છે વગેરે બોલી જાણે અને સત્ક્રિયારૂપ સર્વ્યવહાર ને નીતિ વગેરે છે તેથી પુણ્ય બંધાય ને ભવમાં રખડવું પડે એમ કહી તે બધું છોડી દે. મોક્ષનાં સાઘન કંઈ ન કરે અને સ્વચ્છંદે પાપયુક્ત વર્તે. (૨૯)
જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ; પામે તેનો સંગ જે, તે બૂડે ભવ માંહી. ૩૦
અર્થ :— તે જ્ઞાનદશા પામે નહીં, તેમ વૈરાગ્યાદિ સાધનદશા પણ તેને નથી, જેથી તેવા જીવનો સંગ બીજા જે જીવને થાય તે પણ ભવસાગરમાં ડૂબે. (૩૦)