________________
૯૮
નિત્યનિયમાદિ પાઠ પુદ્ગલ પરમાણુઓની મૂળ સંખ્યામાં કંઈ પણ વઘઘટ કે ફેરફાર થતો નથી. લોકમાં જેટલા જીવ અને પુદ્ગલ પરમાણુ છે તેટલા જ ત્રિકાળ રહે છે. એક પણ જીવ કે પરમાણુ નવો બનીને વઘતો નથી કે નાશ પામીને ઘટતો નથી. લોકમાં છયે દ્રવ્ય એક જ સ્થાને એકક્ષેત્ર-અવગાહના કરીને રહે છે. ત્યાં પુદ્ગલ પુદ્ગલનો અને જીવ પુદ્ગલનો સંયોગ સંબંધ થાય છે, છતાં એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે થઈને ક્યારેય મળી જતું નથી. પ્રત્યેક જીવ બીજા સર્વ દ્રવ્યથી સદાય ભિન્ન અસ્તિત્વપણે સદાય કાયમ રહે છે. તેથી દ્રવ્યદ્રષ્ટિથી જોતાં લોકનું સ્વરૂપ ત્રણે કાળ એકસરખું જ જણાય છે.
એમ સર્વજ્ઞના કથન અનુસાર લોકમાં રહેલા જીવાજીવ છ દ્રવ્યની સ્થિતિ જોઈ ત્યારે જિજ્ઞાસા તૃપ્ત થઈ_જાણવાની ઇચ્છારૂપ આકુળતા હતી તે મટી ગઈ અને શંકા હતી તે જઈને શ્રદ્ધા આવી. લોક ત્રણે કાળ એ રૂપે જ રહેવાનો છે. તેને અન્યરૂપે કરવાને કોઈ સમર્થ નથી. શા માટે અન્યરૂપે બની શકે નહીં? વગેરે મિથ્યા શંકાઓ આપોઆપ વિલય થાય છે.
જે આ સર્વ આશ્ચર્ય યથાર્થ સમજે તે જ્ઞાની છે. તે છે દ્રવ્યાત્મક લોકનું સંપૂર્ણ જ્ઞાન તો ક્યારે પમાય ? કે જ્યારે કેવલજ્ઞાનરૂપી સૂર્ય ઉદય થાય ત્યારે. જ્ઞાન થાય ત્યારે સમજાય કે લોકમાં બંઘયુક્ત સંસારી જીવો તેમજ બંઘરહિત મુક્ત જીવો રહેલા છે. જેણે જેવાં કર્મ બાંધ્યાં છે તેવાં ફળ સંસારી જીવો ભોગવી રહ્યા છે, તે કોઈ બીજાનાં ટાળ્યાં ટળતાં નથી. આવી વસ્તુસ્થિતિ જોઈને અર્થાત્ દેવ, નારકી આદિનાં સુખદુઃખ વગેરે જોઈને જ્ઞાની મનમાં થતા હર્ષશોકને સદાને માટે ટાળે છે.