________________
૧૦૦ નિત્યનિયમાદિ પાઠ બુચ્છિતિના ક્રમ વગેરેનું વર્ણન જીવસ્થાન ગુણસ્થાન રૂપે સર્વજ્ઞ ભગવાનના ઉપદેશ અનુસાર કર્મગ્રંથ વગેરેમાં કરેલું છે; વળી કર્મથી મુક્ત થવાની વિચારણારૂપે નવતત્ત્વ, ષસ્થાનક આદિનું કથન કરેલું છે. જીવ જો કર્મના ઉદયમાં ન લેપાતાં પોતાના શુદ્ધ સ્વરૂપમાં પરિણમે તો છૂટી શકે છે; પરંતુ કર્મ વિષેનું જ્ઞાન ન હોય તો તેમાં ભૂલથાપ ખાવાનો સંભવ છે. એ માટે પુગલ કર્મચના વગેરેનું જ્ઞાન પ્રથમ મેળવવું જોઈએ. તેથી સમજાય કે આ ચૌદ રજુ પ્રમાણ લોકમાં અનંત અનંત સંસારી જીવો ચાર ગતિ ને ચોરાશી લાખ યોનિમાં ચિત્રવિચિત્ર દેહ ઘારણ કરતા કર્મથી બંઘાઈને દુઃખી થઈ રહ્યા છે. તેમાંથી છૂટવાનો અવસર એક મનુષ્ય દેહમાં જ છે. પરંતુ તે મનુષ્યદેહની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. તેની પ્રાપ્તિ ઘણા પુણ્યના જોગે થઈ છે અને સદ્ગુરુજોગે સદ્ઘર્મની પણ પ્રાપ્તિ થઈ છે એમ સમજાતાં એ અમૂલ્ય મનુષ્યદેહ પામીને આત્મસ્વરૂપમાં પરિણમવારૂપ ઘર્મ આદરી પરિણામે શુક્લધ્યાન દ્વારા કર્મથી મુક્ત થવાનો પુરુષાર્થ જીવ કરે છે. જોકે મનુષ્યદેહ પણ અન્ય દેહોની જેમ પુદ્ગલનો જ બનેલો છે તોપણ પશુ આદિના દેહ કરતાં તેમાં જુદી દશા–દેહ છતાં દેહાતીત દશા–પ્રાપ્ત કરી શકાય છે. તેથી મનુષ્યદેહનું સાર્થકપણું પશુ જેવાં કાર્યોથી નહીં પરંતુ ઉત્તમ આત્માર્થ સાઘવાથી થાય છે.
એ મનુષ્યદેહમાં શુદ્ધાત્માનું સ્વરૂપ કેવી રીતે પમાય છે ? એ વગેરે ઉપદેશ જ્યારે શંકાઓ ટળીને ચિત્ત કંઈક સ્થિર થાય ત્યારે સમજાય એવું છે. તેથી હવે અસ્થિરતારૂપ દુઃખ અને તે ટાળવાનો ઉપાય કહે છે –