________________
૧૧૦
૧૧ અમૂલ્ય તત્ત્વવિચાર
પહેલા આ પાઠ કૃપાળુદેવે ગદ્યરૂપે લખ્યો હતો. પણ તે પર શાહી ઢોળાઈ જવાથી આ “અમૂલ્ય તત્ત્વવિચાર' નામનું કાવ્ય લખ્યું છે. તે આત્માનો વિચાર કરવા માટે લખ્યું છે.
હરિ એટલે ભગવાન, શુદ્ધાત્મા. હરિગીત એટલે શુદ્ધાત્માનું ગીત અથવા આત્મગીત. અહીં તો એ છંદનું નામ છે.
અમૂલ્ય તત્ત્વવિચાર' એટલે જેનું મૂલ્ય ન થઈ શકે એવો અત્યંત મૂલ્યવાન, અત્યંત કિંમતી તત્ત્વવિચાર; આત્મા સંબંઘી અત્યંત હિતકારી તત્ત્વવિચાર. તે મનુષ્ય ભવમાં થઈ શકે.
(હરિગીત) બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ! ભવચક્રનો આંટો નહિ એક્કે ટળ્યો; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષ લો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો? ૧
થોડું થોડું પુણ્ય સંચય કરતાં જ્યારે ઘણું પુણ્ય એકઠું થાય ત્યારે મનુષ્યભવ–મોક્ષ થાય તેવો જોગ મળે છે. શુભ દેહ એટલે મોક્ષ સાધી શકે તેવો ઉત્તમ મનુષ્યદેહ, ઘણા કાળે મંદ કષાય થતાં મળે છે.