________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૧૩૩
જ્ઞાની ગુરુએ કહેલી છે, તે લક્ષ ચુકાય તો શાસ્ત્રો, શસ્ત્ર બની આત્મઘાતનાં કારણો પણ થઈ પડે; માટે મતાંતર તજીને વિચારવા સૂચવ્યું છે. (૧૪)
રોકે જીવ સ્વચ્છંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ૧૫ અર્થ :— જીવ અનાદિ કાળથી પોતાના ડહાપણે અને પોતાની ઇચ્છાએ ચાલ્યો છે, એનું નામ ‘સ્વચ્છંદ' છે. જો તે સ્વચ્છંદને રોકે તો જરૂર તે મોક્ષને પામે; અને એ રીતે ભૂતકાળે અનંત જીવ મોક્ષ પામ્યા છે. એમ રાગ, દ્વેષ અને અજ્ઞાન એમાંનો એક્કે દોષ જેને વિષે નથી એવા દોષરહિત વીતરાગે કહ્યું છે. (૧૫)
ભાવાર્થ :– પરિભ્રમણનું કારણ સ્વચ્છંદ છે તે રોકવા હવે ઉપદેશે છે ઃ—
સ્વચ્છંદે ક્રિયાઓ કરવી કે સ્વચ્છંદે શાસ્ત્રો શીખી શુષ્કજ્ઞાની બની બેસવું એ સંસારનું કારણ છે, તેથી હેય છે, માટે સ્વચ્છંદ જીવ રોકે તો જરૂર મોક્ષ પામે, એમ અનંત જીવો મુક્ત થયા છે. માટે સદ્ગુરુઆજ્ઞા એ જ મોક્ષનો રાજમાર્ગ છે એમ તીર્થંકરાદિ મહાત્માઓએ નિઃસ્વાર્થપણે ઉપદેશ્યું છે. (૧૫)
પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. ૧૬
અર્થ :— પ્રત્યક્ષ સદ્ગુરુના યોગથી તે સ્વચ્છંદ રોકાય છે, બાકી પોતાની ઇચ્છાએ બીજા ઘણા ઉપાય કર્યા છતાં ઘણું કરીને તે બમણો થાય છે. (૧૬)