________________
૧૨૬
નિત્યનિયમાદિ પાઠ
નથી; તેવા શુષ્ક જ્ઞાનીને શિખામણ દે છે કે તમારું અંતર તપાસીને જુઓ કે વૈરાગ્યાદિથી જે ચિત્તશુદ્ધિ આત્મજ્ઞાન થવા માટે જરૂરની છે, તે સંપત્તિ તમને પ્રગટી છે કે કારણ પણ હજી નથી પ્રાપ્ત થયું તે પહેલાં આત્મજ્ઞાનરૂપ કાર્ય માત્ર કલ્પનાથી જ માની લીધું છે ? વૈરાગ્યાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણ છે તે જ્યાં ન હોય તો આત્મજ્ઞાનરૂપ કાર્ય ઘટતું નથી. માટે કારણ પ્રથમ પ્રાપ્ત કરો. (૬)
ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન. ૭
અર્થ :— જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્યાદિ સાધનો ઉત્પન્ન થયાં ન હોય તેને જ્ઞાન ન થાય; અને જે ત્યાગ વિરાગમાં જ અટકી રહી, આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે તે પોતાનું ભાન ભૂલે; અર્થાત્ અજ્ઞાનપૂર્વક ત્યાગવૈરાગ્યાદિ હોવાથી તે પૂજાસત્કારાદિથી પરાભવ પામે, અને આત્માર્થ ચૂકી જાય. (૭)
ન
ભાવાર્થ :— જેના હૃદયમાં ત્યાગ વૈરાગ્યનો વાસ નથી તેને આત્મજ્ઞાન થતું નથી, માટે જેણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તેણે તેના કારણો ખૂટતાં હોય તે મેળવી લેવાં ઘટે છે. ત્યાગવૈરાગ્યરૂપ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણો જે સેવતા હોય તેણે તે સાધનોને સાઘ્ય માનવાની ભૂલ ટાળવી ઘટે છે; કારણ કે આત્મજ્ઞાનને અર્થે ત્યાગ, વૈરાગ્ય ઉપાસવાનાં છે, પણ ત્યાગવૈરાગ્યનો આગ્રહ કે અભિમાન જે સેવે તેને તે કારણોવડે આત્મજ્ઞાનરૂપ કાર્ય કરવું રહી જશે; તેની બધી ક્રિયાઓ લક્ષ વગરના બાણ જેવી નિરર્થક નીવડશે. (૭)