________________
૫૬
નિત્યનિયમાદિ પાઠ
સમકિત પ્રગટ કરે છે તેઓએ પણ પૂર્વજન્મમાં સત્પુરુષની આરાધના કરી હોય છે. તેથી સમિત થવામાં સત્પુરુષ જ્ઞાનીગુરુનું અવલંબન બળ આપનારું છે અને ઠેઠ કેવલજ્ઞાન પ્રગટે ત્યાં સુધી જ્ઞાનીનું અવલંબન સામાન્ય બળવાળા જીવોને જરૂરનું છે. જ્ઞાનીની આરાધના કરતાં, તેમની આજ્ઞાએ ચાલતાં, તેમના વચનો વિચારતાં સુગમપણે આત્મભાવના કરી શકાય છે, માનાદિ શત્રુઓનો નાશ કરી શકાય છે.
“ભક્તિ આદિ” સાઘન કહ્યાં, તેમાં વિનય, દાન, તપ વગેરે અનેક સાધનો આત્માને કર્મક્ષય કરવા, જ્ઞાન પમાડવા ખપનાં છે. શરૂઆતમાં સમકિત થવામાં જીવોને ભિન્ન ભિન્ન સાધન વિશેષ હિતકારી થાય છે, પરંતુ આગળ વધતાં કર્મક્ષયનો માર્ગ બધા જીવો માટે વધારે સરખો થતો જાય છે.
તે સમ્યજ્ઞાન દર્શન અને ચારિત્ર અથવા સંયમ એ ઉપાયો વડે કર્મનો સંવર ને નિર્જરા થઈ સંપૂર્ણ કર્મક્ષય થતાં મોક્ષની પ્રાપ્તિ થાય છે.
શ્રી જ્ઞાનીપુરુષોએ સમ્યક્દર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમનિશ્ચયરૂપ જણાવા યોગ્ય છે, તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે, એમ પરમપુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે.