________________
૫૪
નિત્યનિયમાદિ પાઠ શીખવું ભણવું વિચારવું તે, જ્ઞાન આરાઘના. તે સ્વાધ્યાય પાંચ પ્રકારે છે : (૧) વાચના એટલે ગુરુ પાસે કંઈ શીખવાની આજ્ઞા મળવી અથવા ગુરુ શિષ્યને વિધિપૂર્વક વાચના એટલે પાઠ આપે તે. (૨) પૃચ્છના એટલે પોતાની કે પરની શંકા દૂર કરવા વિનયપૂર્વક પૂછવું ને કહે તે અવઘારવું તે. (૩) પરાવર્તના એટલે ફેરવવું, એક વખત વાંચેલું, મોઢે કરેલું ફરી ફરી વાંચવું, ફેરવવું, ધૂન લગાવવી. એથી ચિત્ત રોકાય છે અને એકાગ્રતા થતાં આત્મામાં જોડાય. મુખપાઠ ફેરવવામાં એ જ લક્ષ જોઈએ. પ્રભુશ્રીજી કહેતા કે “પાનું ફરે ને સોનું ઝરે.” કૃપાળુદેવ એક જ ગાથા કલાક બે કલાક સુધી બોલતા. (૪) અનુપ્રેક્ષા એટલે અર્થ વિચારવો, ભાવના કરવી. (૫) ઘર્મકથા એટલે કંઈ વિચાર આવ્યો હોય તે વ્યવસ્થિત રીતે કહી બતાવવો તે, વ્યાખ્યાન, ચર્ચા. એમ ઘર્મકથા કરવાથી વિશેષ વિચાર કરવો પડે છે અને કદી ભુલાય નહીં એવી સજ્જડ છાપ બેસે છે. વ્યાખ્યાન કરનારને ઘર્મકથા આત્માના લક્ષે કરે તો સ્વહિતાર્થે છે. સાંભળનારને તે વાચનારૂપે થાય છે. આ સ્વાધ્યાયના ભેદો કહ્યા. જ્ઞાનના ભેદો મતિ, શ્રત, અવધિ, મન:પર્યય ને કેવળ એમ મુખ્ય પાંચ છે તે આત્મજ્ઞાન સહિત છે. તેમાં ઉપયોગ જોડવો. અભીષ્ણજ્ઞાનોપયોગ એટલે નિરંતર સ્વાધ્યાય અને જ્ઞાનધ્યાનમાં વર્તવું તે સંવરનું મુખ્ય સાઘન છે.
દર્શન એટલે શ્રદ્ધા; દેવગુરુધર્મની શ્રદ્ધા. ગુરુ પર શ્રદ્ધા હોવાથી તેમની આજ્ઞા માન્ય થાય. આત્માની શ્રદ્ધા દ્રઢ કરી લેવી. છ પદ વિચારી દૃઢ શ્રદ્ધા કરવી, નવતત્ત્વ સમજવાં. જેટલા પ્રમાણમાં શ્રદ્ધા દ્રઢ તેટલા પ્રમાણમાં વીર્ય ફુરે છે.