________________
૯૧
જિનવર કહે છે જ્ઞાન તેને.... એટલે જે રીતે અનેક ભેદે શાસ્ત્રમાં જ્ઞાનનું વર્ણન છે, તે જ રીતે જેણે તે સાક્ષાત્ અનુભવ કર્યો છે, તે જ્ઞાની છે. તે અનુભવ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સર્વાર્પણપણે તેવા જ્ઞાનીને આશ્રયે તેની આજ્ઞામાં વર્તે તો પરિણામે જ્ઞાન થશે. તે ભવિષ્યની અપેક્ષાએ જ્ઞાન કહેવાય. જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત બન્ને મોક્ષમાર્ગમાં છે તેથી આશ્રયે વ્રત પચખાણ કર્યા હોય તે પણ મોક્ષે લઈ જાય. ખરો આશ્રયભાવ અને અર્પણતા જોઈએ. સમ્મતિતર્ક આદિ શાસ્ત્રોમાં આ વાત જણાવી છે.
આઠ સમિતિ જાણએ જો, જ્ઞાનીના પરમાર્થથી, તો જ્ઞાન ભાખ્યું તેહને, અનુસાર તે મોક્ષાર્થથી; નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્ર, માત્ર મનનો આમળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૬
ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ એ સમ્યપણે કેમ વર્તવું તે બતાવે છે. તેનો પરમાર્થ જો જ્ઞાની દ્વારા જાણ્યો હોય તો સર્વ ક્રિયા જ્ઞાનીની આજ્ઞા વિચારીને કરે. આત્મસ્વભાવમાં રહેવારૂપ ગુપ્તિ અને જ્ઞાનીની આજ્ઞાએ પ્રયોજન પૂરતું પ્રવર્તવારૂપ સમિતિમાં વર્તવાની જ્ઞાનીની આજ્ઞા છે એ રીતે વર્તતાં તેનું ચારિત્ર-સંયમ આદિ મોક્ષને અર્થે થાય. ત્યાં આત્મામાં સ્થિતિ કરવારૂપ જ્ઞાનીનું અંજન–મેળવણ આવે તો સંવર થાય ત્યારે મોક્ષાર્થને અનુસરીને બધું લેખે લાગે. પોતાની કલ્પનાએ આજ્ઞારહિતપણે વર્તે તો કોટિ શાસ્ત્રો પણ તેને મનના આમળારૂપ એટલે મગજમારી અથવા અભિમાનનું જ કારણ થાય અને તે જ્ઞાન તેને મોક્ષમાર્ગમાં વિઘકર્તા પણ થાય.