________________
અપૂર્વ અવસર
૭૩
પછી મોક્ષ થવાનો હોય ત્યારે થાય. મોક્ષ કંઈ બીજે નથી. તે આત્મામાં જ છે ને સમભાવ—સમતા—સમકિત છે ત્યાં જ મોક્ષભાવ છે. માટે તેમાં પુરુષાર્થ કરે. ખેદ ન કરે, રાગદ્વેષ ન કરે. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો; અડોલ આસન, ને મનમાં નહીં ક્ષોભતા, ૫૨મ મિત્રનો જાણે પામ્યા યોગ જો.અપૂર્વ૰૧૧
પ્રથમ તો અનુકૂળ સ્થાને આત્મભાવ દૃઢ કરે; પછી તેની કસોટી કરવા પ્રતિકૂળ એવાં સ્મશાન આદિ એકાંત સ્થાનોને પણ સેવે. દેહાધ્યાસ ગયો હોય ને આત્મભાવ થયો હોય તેટલા પ્રમાણમાં નિર્જન સ્થાનનો ને વાઘ સિંહ ઇત્યાદિનો ભય ન થાય. સર્વ પ્રાણીને આત્મસ્વરૂપ જ જુએ. કર્મના ઉદયે કદાચ દેહ જાય તોપણ આત્માને કંઈ થતું નથી, એમ જાણી સ્વસ્થ જ રહે. હિંસક પશુ વગેરેને દ્રવ્યદૃષ્ટિથી આત્મસ્વરૂપ જોઈ મૈત્રીભાવ જ રાખે. સામાન્ય માણસને સ્મશાન અને વાઘ સિંહ જેવા પ્રસંગમાં અત્યંત ભય થાય છે. પણ જ્ઞાનીને દેહાધ્યાસ મટ્યો છે તે મનને સ્થિર કરવા તેવે સ્થળે જાય ત્યારે પૂર્વ કર્મ અને અનાદિ અધ્યાસને લઈને ભયનો ઉદય થાય, તેને ધ્યાનમાં રહીને જીતે છે. પુરુષાર્થ કરી આત્મામાં અડોલ રહે છે. બીજા કોઈ વિચારને અવકાશ આપતા જ નથી.
ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અન્ને નહીં મનને પ્રસન્નભાવ જો; રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુદ્ગલ એક સ્વભાવ જો. અપૂર્વ૰૧૨