________________
નિત્યનિયમાદિ પાઠ
આ ત્રણે આત્માથી ભિન્ન નથી. જ્ઞાન આત્મા છે, દર્શન આત્મા છે, ચારિત્ર પણ આત્મા છે. વ્યવહારનયથી જાણનાર, શ્રદ્ધનાર, વર્તનાર એમ ભેદ પડે છે. નિશ્ચયનયથી ત્રણે એક આત્મામાં જ છે. એમ ત્રણે ગુણ અભેદરૂપે વર્તે ત્યારે તે આત્મારૂપ છે અને તે જ જિનનો માર્ગ પામ્યો અથવા પોતાના સ્વરૂપને પામ્યો ગણાય.
૮૬
એવાં મૂળ શાનાદિ પામવા રે,
અને જવા અનાદિ બંઘ; મૂળ ઉપદેશ સદ્ગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. મૂળ૰ ૧૦
આ મૂળ જ્ઞાન દર્શન ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પામવા પ્રથમ સ્વચ્છંદ ને પ્રતિબંધ મૂકીને સદ્ગુરુનો ઉપદેશ ઘારણ કરવો જોઈએ. યોગ્યતા હોય તો ઉપદેશ પરિણમે. “સ્વચ્છંદ ટાળી અપ્રતિબદ્ધ થા.'' કલ્યાણના કારણમાં વિઘ્ર કરે તે પ્રતિબંધ છે. તે ચાર પ્રકારે—દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવપણે—જીવને બંધનરૂપ થાય. જેમકે કોઈ પદાર્થ પર મોહ હોય તો તે ઘડી ઘડી સાંભરે. કોઈ ક્ષેત્ર પર રાગ થાય જેમકે મારું ઘર, ઘેર જ ઊંઘ આવે, દેવગતિ વિષે સાંભળ્યું હોય તો ધર્મ કરતાં તે યાદ આવે કે દેવલોકે જઈશ તે ક્ષેત્ર પ્રતિબંધ. કાળમાં પ્રતિબંધ જેમકે ચોમાસું, શિયાળો, યુવાની ગમે, અમુક ન ગમે. ભાવમાં પ્રતિબંધ—જે પ્રકારે ભાવો ફરી ફરી કર્યા હોય તેવો પછી સ્વભાવ બની જાય. સ્વચ્છંદ છે તેથી પ્રતિબંધ થાય છે, સ્વચ્છંદ મૂકે, આશાએ વર્તે તો પ્રતિબંધથી મુકાય. સંસારમાં જ્યાં જ્યાં પ્રેમ વેરી નાખ્યો છે ત્યાં ત્યાં પ્રતિબંધ છે.