________________
૭૮
નિત્યનિયમાદિ પાઠ * શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય,
અગુરુલઘુ, અમૂર્ત સહજપદરૂપ છે.અપૂર્વ ૧૮ એક પરમાણુ પણ તેમને સ્પર્શ કરતું નથી. યથાર્થ અસંગતા વર્તે છે. સર્વ કર્મરૂપી કલંક-મેલથી સર્વથા શુદ્ધ થયા છે, ને યોગનું કિંચિત્ ચંચળપણું પણ સર્વથા બંઘ પડવાથી અડોલ, નિશ્ચળ, અત્યંત સ્થિર આત્મસ્વરૂપ હોય છે. તે અત્યંત શુદ્ધ, સર્વ કર્મથી મુક્ત, દેહ હોવા છતાં તેનાથી તદ્દન ન્યારા, માત્ર ચેતન્યની મૂર્તિ જેવા છે. પાંજરામાં સિંહ જેમ પાંજરાથી જુદો હોય તેમ સ્વસ્વરૂપમાં સ્થિત રહે છે. તે ભગવાન અગુરુલઘુ, અમૂર્ત અને સહજસ્વરૂપ છે. આવી છેલ્લા ગુણસ્થાનને છેલ્લે સમયે દશા હોય છે.
પૂર્વપ્રયોગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદિ અનંત અનંત સમાધિસુખમાં,
અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો.અપૂર્વ ૧૯ ઘણા કાળથી મોક્ષની ભાવના ભાવી છે તેથી જેમ કુંભારનો ચાક ઘણી વાર સુધી ફેરવીને મૂકી દે તોપણ પોતાની મેળે થોડી વાર ફર્યા જ કરે તેમ પૂર્વપ્રયોગ આદિ કારણે તે શુદ્ધ આત્મા ઊર્ધ્વ ગતિ કરે. આત્માનો સ્વભાવ પણ ઊર્ધ્વગમનરૂપ છે પણ જ્યાં સુધી ઘર્માસ્તિકાય છે, ત્યાં સુધી
+ ૧ પૂર્વપ્રયોગ, ૨ અસંગત્વ, ૩ બંઘ છેદ, ૪ તથાગતિ (સ્વાભાવિક) પરિણામ તે અંતિમ ઊર્ધ્વગતિનાં ચાર કારણોનાં અનુક્રમે ૧ કુંભારનો ચાક, ૨ લેપરહિત તુંબડી, ૩ એરંડબીજ ને ૪ અગ્નિશિખા એ ચાર દ્રષ્ટાંતો છે.