________________
૭૬
નિત્યનિયમાદિ પાઠ અનાદિથી પાર થયું નથી તેથી સ્વયંભૂરમણ સમુદ્ર જેવું સ્તર છે, તેને પાર કરી જાય છે. (સ્વયંભૂરમણ સમુદ્ર છેલ્લો સમુદ્ર હોવાથી તે પછી જમીનનો કિનારો નથી. માત્ર ઘનવાત તનવાત રહ્યા છે.) ચારિત્રમોહનીયનો ક્ષય દશમે ગુણસ્થાનકે થાય છે પછી ક્ષણમોહ નામના બારમે ગુણસ્થાનકે આવે છે, કારણકે ક્ષપક શ્રેણીમાં અગિયારમું સ્પર્શે નહીં. બારમાના અંત સમયે જ્ઞાનાવરણ, દર્શનાવરણ ને અંતરાય કર્મનો પણ ક્ષય થાય છે અને સંપૂર્ણ વીતરાગતા સહિત કેવલજ્ઞાન, કેવલદર્શન, અનંતવીર્ય અને અનંતસુખ, જે આત્માના જ સ્વભાવ છે તે, સુવર્ણ પરથી રજ ઊડી જતાં ચળકી ઊઠે તેમ આપોઆપ પ્રગટ થાય છે.
ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવનાં બીજતણો આત્યંતિક નાશ જો; સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા,
કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો. અપૂર્વ૦૧૫ ઉપર કહ્યા મુજબ ચાર ઘનઘાતી કર્મનો નાશ થતાં સયોગી કેવલી નામનું તેરમું ગુણસ્થાન પ્રગટ થયું. હવે તેને બીજો ભવ કરવાનો નથી કારણકે ભવવેલનું જે મોહરૂપ બીજ હતું તે બળી ગયું. તેની રાખ પણ રહી નહીં. ત્રણે કાળના સર્વ ભાવોને જાણતાં જોતાં છતાં મોહરહિત હોવાથી લેપાતા નથી, શુદ્ધસ્વરૂપમાં પરિણમે છે. મોહ નથી, રાગદ્વેષ નથી તેથી ત્રણ લોકને ને તેના સર્વ વ્યાપારને જોતાં જાણતાં છતાં સ્વાભાવિકપણે શુદ્ધ રહે છે. એવા તે મોહ રહિત વીતરાગ ભગવાન છે. હવે તેમને કંઈ કરવાનું રહ્યું નથી છતાં વીર્ય એટલે આત્માની અનંત શક્તિ પ્રગટ છે.