________________
ક્ષમાપના
૩૯
છોડવાનું છે તેને સારું માન્યું છે, હિતકારી માન્યું છે તેથી છૂટી શકે નહીં. અનાદિ કાળથી અજ્ઞાનથી અંધ થયો છું, પણ સદ્ગુરુના ઉપદેશથી વિવેક આવે તો અજ્ઞાન દૂર થાય. પરંતુ એવી વિવેક કરવાની શક્તિ પણ મારામાં નથી. વિવેક આવે તો તે અજ્ઞાન ટાળે એવો બળવાન છે. વિવેકનું કામ જુદું કરવાનું છે. હિત, અહિત, દેહ ને આત્મા વગેરેને જેમ છે તેમ ભિન્ન ઓળખવાં તે વિવેક છે. અજ્ઞાન હોય ત્યાં વિવેક ન હોય. વિવેક ન હોય ત્યાં મૂઢતા હોય. વિવેકશક્તિ એટલે ભેદજ્ઞાન. અજ્ઞાનદશામાં પણ જો છૂટવાની જિજ્ઞાસા હોય તો મૂઢ ન કહેવાય. પરંતુ વિવેકશક્તિ નથી અને તેનું ભાન પણ નથી તે મૂઢતા છે. તે દિશાની ખબર નથી, તેનો વિચાર નથી છતાં પોતાને ડાહ્યો માને, હું સમજું છું એમ માને તે મૂઢતા છે. અજ્ઞાન દશામાંથી બહાર નીકળવું હોય તો જ્ઞાનીપુરુષનો આશ્રય લેવો જોઈએ. તે નથી, તેથી નિરાશ્રિત છું. અનાથ છું. જેનું આ સંસારમાં કોઈ ન હોય તે અનાથ કહેવાય. ખરો નાથ આત્મા છે; તે પ્રગટે ત્યારે સનાથ થવાય. સદ્ગુરુનો આશ્રય મળે તો પણ સંનાથ થવાય.
નીરાગી પરમાત્મા ! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું.
નાથ કોણ ? નીરાગી પરમાત્મા, જેણે પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. આખું જગત રાગદ્વેષમાં પડ્યું છે. પરમાત્મા નીરાગી છે. જેને સંસારમાંથી છૂટવું હોય તેણે શું કરવું ? પરમાત્મારૂપ દેવ, તેમણે ઉપદેશેલો ધર્મ, અને તે ધર્મને સમજીને પોતે આચરે તેમજ અન્યને સમજાવે એવા મુનિ અથવા ગુરુ આ ત્રણ શરણ છે. તેની ઉપાસના કરતાં જીવ શરણવાળો થાય.