________________
૫૧
છ પદનો પત્ર પાંચમું પદ -
મોક્ષપદ છે.” જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે; કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંઘભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે.
પાંચમું પદ મોક્ષપદ છે – છ પદમાં જે કર્તાપણું કહ્યું છે તે સામાન્યપણે કર્મના કર્તાપણાની અપેક્ષાથી કહ્યું છે. પોતાના સ્વરૂપે પરિણમવું ત્યાં કર્તાપણું કહેવા માત્ર છે. આત્માના વિભાવ પરિણમનથી–મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગથી અથવા રાગદ્વેષરૂપ કષાયથી–જીવ કર્મ બાંધે છે અને બાંધેલા કર્મ કાળ પાયે રસ આપે ત્યારે સુખદુઃખ વેદાય તેથી જીવને કર્મનો કર્તા અને ભોક્તા કહ્યો છે. એ રીતે અનાદિ કાળથી તે કર્મનો વ્યવસાયી છે. સદ્ગુરુ કહે છે કે તે કર્મ ટાળી શકાય છે. એનો વિચાર કરીએ તો સ્પષ્ટ ખાતરી થાય. કષાયને લઈને બંઘ પડે છે. નિમિત્ત મળતાં ક્રોઘ, કામ, લોભ આદિ કરવાનો ખૂબ અભ્યાસ છે, તે અભ્યાસ છોડી દે એટલે કે તેવા નિમિત્તમાં આત્માનું બળ વાપરી ક્ષમાદિ ઘારણ કરે, ક્રોઘાદિ ભાવોને ભૂલવા સ્વાધ્યાયાદિમાં મનને રોકે. પૂર્વે કષાય કર્યા હોય તેની વિસ્મૃતિ કરે અને વર્તમાન કષાય રહિત વર્તે. કોઈ દુષ્ટ માણસનો પરિચય થઈ ગયા પછી અપરિચય કરવો હોય તો સામો મળે છતાં ઓળખતા નથી એમ વર્તે, વિસ્મૃતિ કરે તેવી