________________
પ્રબુદ્ધ જીવન
માર્ચ, ૨૦૧૨
| નવપદ વિશેષાંક II આ વિશિષ્ટ પ્રાંડના માનદ્ સંપાદક
ડૉ. અભય ઈન્દ્રચંદ્ર દોશી જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્ય એટલું સદ્ભાગી છે કે એના સર્જન પરિશીલન અને સંવર્ધન અર્થે યુગે યુગે એને મુનિ ભગવંતોના તેમજ શ્રાવક-શ્રાવિકા સ્વરૂપે સર્જકો, અભ્યાસીઓ અને વિદ્વાનોનો સાથ મળતો રહ્યો છે, એટલે એના સર્જનોમાં યુગે યુગે વૃદ્ધિ થતી રહી છે. આ કારણે જ જૈનધર્મ અને જૈન સાહિત્ય જીવંત અને વૃદ્ધિમય બનતા રહ્યાં છે.
આજના આ વિષમ અને ભૌતિક યુગમાં પણ ભારત તેમજ દેશ-વિદેશમાં પણ આવા સાહિત્યના સંવર્ધન અર્થે, વિદ્યા પ્રત્યે સમર્પિત વિદ્વાનો પોતાનો જ્ઞાનદીપક પ્રજ્વલિત રાખી રહ્યાં છે, એ આનંદગૌરવની ઘટના છે.
ડૉ. અભય દોશીએ મુંબઈની મીઠીબાઈ કૉલેજમાં ૧૬ વર્ષ સુધી ગુજરાતીના અધ્યાપક તરીકે સેવા આપી વર્તમાનમાં મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં સહયોગી અધ્યાપક છે અને પીએચ.ડી. ઉપાધિ માટેના વિદ્યાર્થીઓના માર્ગદર્શક છે.
મૂળ રાજસ્થાનના બેતાલીશ વર્ષીય આ યુવાન ડૉ. અભય દોશીને જૈન ધર્મ અને ભાષ્યના સંસ્કારો કુટુંબમાંથી જ પ્રાપ્ત થયા છે. ધર્મપરાયણ માતા જશોદાબહેન પાસેથી ધર્મ-ક્રિયા ભક્તિના સંસ્કારો મળ્યા છે, તો પિતા ઈન્દ્રચંદ્ર દોશીએ ગુજરાતના મહેસાણાની સુપ્રસિદ્ધ ઉપાધ્યાય યશોવિજયજી પાઠશાળામાં સંસ્કૃત, પ્રાકૃત અને જૈન તત્ત્વજ્ઞાનનો ગહન અભ્યાસ કર્યો છે, અને અધ્યાત્મયોગી પૂ. શ્રી ભદ્રંકર વિજયજીના સાનિધ્યમાં જૈન તત્ત્વજ્ઞાન અને નમસ્કારનો સ્વાધ્યાય કર્યો છે. મોટા કાકા શ્રી પારસમલજી હસ્તપ્રત લેખનમાં કુશળ હતા. પરિવારમાંથી બે પુત્રીઓએ પૂ. ભુવનભાનુસૂરિ સમુદાયમાં દીક્ષા ગ્રહણ કરી છે.
જૈન તત્ત્વજ્ઞાનના અભ્યાસી આ યુવાન સંપાદકે “ચોવીશી-સ્વરૂપ અને સાહિત્ય' ઉપર પીએચ.ડી. માટે શોધ-પ્રબંધ લખ્યો છે, ઉપરાંત “જ્ઞાન વિમલ સઝાય સંગ્રહ', “શેત્રુંજય ગિરિરાજ પૂજા', “અહંદ ભક્તિ સાગર' વગેરે ગ્રંથો એમના નામે પ્રકાશિત થયા છે, અને ૨૦૦૦ કડીનો ઉપાધ્યાય ઉદયરત્ન કૃત ‘યશોધર રાસ' એ સંપાદિત ગ્રંથ પ્રકાશનને પંથે છે.
મિતભાષી અને ચિંતક વક્તા ડૉ. અભય દોશી ગુજરાતી સાહિત્યના અધ્યયન સાથોસાથ ઘણાં વર્ષોથી સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાઓને જૈન ધર્મનો અભ્યાસ પણ કરાવે છે.
નવ પદના નવ વિષયો ઉપર પૂ. મુનિ ભગવંતો અને જૈન તત્ત્વજ્ઞાનના અભ્યાસી વિદ્વાનો પાસે એક એક લેખ પ્રાપ્ત કરવાની અમારી ભાવના હતી, પરંતુ વર્તમાનમાં એઓશ્રી વિહારમાં હોવાથી એ શક્ય ન બન્યું, એટલે પ્રાપ્ય લેખો અહીં પ્રકાશિત કરાયા છે, અન્ય વિષય ઉપરના લેખો આ અંકના વિદ્વાન સંપાદકે પોતે લખી જ્ઞાન પરિશ્રમ કર્યો છે એ આ સંપાદકશ્રીની વિદ્વતાનું દ્યોતક છે.
‘પ્ર.જી.ના જૈનેતર વાચક અને બાળજીવોને નવપદ વિશે જ્ઞાન-માહિતી પ્રાપ્ત થાય અને સિદ્ધચક્રની ભક્તિ અને તપની પ્રેરણા મળે એ હેતુ આ અંકમાં કેન્દ્ર સ્થાને છે.
મહાવીર જન્મ કલ્યાણકના પર્વ નિમિત્તે પ્રકાશિત થતા “પ્રબુદ્ધ જીવન'ના આ “નવપદ' વિશેષાંકના આ સંપાદકના આ તત્ત્વશીલ સંપાદનને આપણે ઉમળકાથી આવકારી નવપદની ભક્તિના પુણ્યાનંદને માણીએ.
nતંત્રી