________________
૨૬
પાનાનાં પાનાં ભરીને વર્ણનો મળે છે. વ્યવહાર જીવનમાં જેને વિલાસ કહેવામાં આવે છે, એ સ્વર્ગમાં રસ-રાગ બની જાય છે! એક બાજુ ત્યાગ અને વૈરાગ્યની વાર્તા મળે છે, તો બીજી બાજુ ભોગ અને શૃંગારના ચિત્રો મળે છે. આવો વિસંવાદ કેમ ? સર્જક જયભિખ્ખુનું ચિત્ત વિચારે છે કે વૈરાગ્યનો મહિમા કરવા શા માટે શૃંગારનો આટલો બધો આધાર લીધો હશે? સ્ત્રીનું રૂપ, અંગ, પ્રત્યંગ, એની જંઘા, કટિ અને એથીય આગળ વધીને વિવેકની સીમા ઓળંગાય એવા અંગોની સુંદરતાના વર્ણન કેમ આવેખાયા હશે ? આમ એક બાજુ ચરિત્રનાયકના વ્યક્તિત્વને, એમની ભાવનાઓ અને એમની માનવતાને પ્રગટ થવાનો પૂરો અવકાશ મળ્યો નથી, તો બીજી બાજુ કેટલીય આનુષંગિક બાબતોના જાળાની વચ્ચે એ ચરિત્ર પૂર્ણરૂપે પ્રગટ થતું નથી.
આ યુવાન સર્જકને ધર્મગ્રંથો તરફ આદર છે, પરંતુ સાથેસાથે એને પામવાની એક આગવી દૃષ્ટિ છે. જો પરંપરાના પગલે જ ચાલવું હોત તો એમણે આ બધાં વર્ણનો, ચમત્કારી ઘટનાઓ અને ઈન્દ્ર ઇન્દ્રાણીની કથાઓનો ઉમળકાભેર સ્વીકાર કરી લીધો હોત! પણ એમનું સર્જક મન આમ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરતું હતું. એનું કારણ માત્ર એટલું જ કે આમ કરીશ તો જેમના ચરિત્રો લખવાનું મારું ધ્યેય છે, એ સિદ્ધ કે સાર્થક નહીં થાય. આથી જ ભગવાન ૠષભદેવની પ્રસ્તાવનામાં જયભિખ્ખુ નોંધે છે,
મારા મનઃપ્રદેશમાં વર્ષોથી આસન જમાવી બેઠેલા દેવતાને, કાગળ ને શાહી જેવા જડ સાધનોથી જન્મ આપતા મારા ઉપર પણ ઘણું ઘણું વીત્યું છે, ને ન જાશે મારા હાથે એ મહાન દેવતાઓના ચરિત્ર પર શું શું નહીં વીત્યું હોય! પણ આ વાતનો નિર્ણય તો કોઈ વિબુધજન ૫૨ રાખવો ઉચિત છે.’
આ રીતે ભગવાન ઋષભદેવના ચરિત્રને આલેખવા માટે જયભિખ્ખુએ ધર્મ અને સંપ્રદાયના ગજગ્રાહને અળગો કર્યો. સંપ્રદાયને પોતાની મર્યાદા હોય છે, પ્રત્યેક બાબતને માપવા માટે પોતાનો ગજ હોય છે. જ્યારે સર્જક જયભિખ્ખુને માટે ધર્મ એ મુક્ત પંખી, સ્વતંત્ર નોમંડળની જેમ વિશાળ અને સમન્વયકારી' છે. આ રીતે સંપ્રદાયની દૃષ્ટિએ આ ચરિત્ર તેઓ આલેખતા નથી. ફૂલો, શાગાર, હીરામોતી વગેરેથી છાવરી લેવાયેલી પ્રતિમાના દર્શન ક૨વાને બદલે આ લેખક એના પર ચડેલાં ફૂલો, હાર, હીરામોતી બધું હટાવીને એ પ્રતિમાનું પ્રત્યક્ષ દર્શન કરવા ચાહે છે.
આવી રીતે એમણે આગવી દૃષ્ટિ, દર્શન અને ઉદ્દેશથી ચરિત્રનાયકની પ્રતિમાનું દર્શન કર્યું અને ક્ષણભરમાં જ એમને એનું આકર્ષણ જાગી ગયું. ધીરે ધીરે ભગવાન ઋષભદેવના પરંપરાગત વર્ણનોમાંથી મુક્ત થયેલી એમની દૃષ્ટિ એ વિરાટ વનના મર્મને પામવાનો પ્રયાસ કરે છે અને પછી તો એ મર્મ પકડવા જતા એક આખુંય નવીન ભાવવિશ્વ નજર-પ્રત્યક્ષ થઈ જાય છે. એમને મન
પ્રબુદ્ધ જીવન
એપ્રિલ, ૨૦૧૨
ભગવાન ઋષભદેવ એટલે માનવ અને માનવતાના વિકાસનું ભગીરથ કાર્ય કરનાર યુગપુરુષ. એમને મન ભગવાન ઋષભદેવ એટલે જીવનની પ્રત્યેક કળાઓ અને પ્રત્યેક દશાઓનો ઉત્થાનગામી ઉપયોગ કરનાર.. એમને મન ભગવાન ઋષભદેવ એટલે લૌકિક જીવનનો ઉદાત્ત આદર્શ આપવાની સાર્થોસાથ પારમાર્થિક જીવનની ઇતિશ્રી બનાવનાર મહાન વિભૂતિ. એમને મન ભગવાન ઋષભદેવ એટલે બાળકને ગળથૂથીમાં મળતા ‘નમો અરિહંતાણં' મંત્રના મર્મને જગતની ધરતી પર પ્રથમ પ્રગટ કરનાર તીર્થંકર.
લેખકની દૃષ્ટિ સમક્ષ ભગવાન ઋષભદેવનું નવું ચરિત્ર ઊભરે છે. એ ચરિત્ર પ્રત્યક્ષ શત્રુઓથી મુક્ત થયેલી માનવતાને એ હૃદયસ્થ રિપુઓ સામે જંગ ખેલવા આવાહન આપે છે. પ્રજાને કહે છે કે બહારના જંગ પછી ખરો રંગ નો અંતરના સમરાંગણમાં મોરચા બાંધીને બેઠેલા કામ, ક્રોધ, મોહ, લોભ રૂપી હૃદયસ્થ કષાય રિપુઓ સામે લડવાનો છે. એના પરની જીતમાં સાચો વિજય સમાયેલો છે. જગતને જીતી આવનારી એ જાતને છતી ન પણ શકે. અને જો આવું બને તો આખી પૃથ્વીનો વિજેતા પોતાનો વિજેતા ન બને, તો એનો વિજય કમળના પત્ર પર રહેલા જળબિંદુ જેવો ક્ષણિક છે.
યુવાન સર્જક જયભિખ્ખુ વિચારે છે કે અશ્રદ્ધા અને અંધશ્રદ્ધા એ બે અંતિમોથી અળગા રહીને સાચી શ્રદ્ધા જગાડે તેવું ચરિત્ર આલેખવું છે.
ભૌતિક જીવનની ઉન્નતિને કારણે ઘણા સમયથી આધ્યાત્મિક ઉન્નતિ ડોલાવા લાગી બાહ્ય ભભકની પાછળ દોડતો માનવી આંતરિક રીતે સાવ પોલો અને પોકળ બની ગયો છે. પરિણામે શુદ્ધ અને સંસ્કારી જીવન લોપાઈ રહ્યું છે એવે સમયે આવાં ચરિત્રોની વિશેષ જરૂર છે. આ ચરિત્ર આલેખને લેખકના મનમાં અનેક પ્રશ્નો જગાડ્યા. કઈ રીતે ભગવાન ઋષભદેવનું ચરિત્રનું સર્જન કરવું ? કઈ રીતે ધર્મ અને દર્શનના તત્ત્વોને ન્યાય આપીશ? કઈ રીતે એ સમયના માનવજીવનના સૌથી ગંભીર પ્રશ્નને પ્રગટ કરી શકું અને એનો ભગવાન ઋષભદેવે આપેલો ઉત્તર કહી શકું?
આ ચરિત્ર લખવા માટે લેખકને પાંચ સૂત્ર હાથ લાગ્યા અને એ પાંચ સૂત્ર છે.
(૧) દેવ અન્ય કોઈ નહીં-માનવ એ જ દેવ ! (૨) જીવનના જય તરફ શ્રદ્ધા ને યત્ન (૩) માનવમાત્ર તરફ બંધુત્વ ને સહૃદયતા (૪) સાદું નિખાલસ જીવન જીવવાની કળા (સત્ય અને અહિંસા) (૫) ઓછામાં ઓછાથી જીવનનિર્વાહની રુચિ (અપરિગ્રહ), પણ હજી લેખકના પ્રશ્નોનો અંત આવ્યો નથી. એ સમયની કાળગણના અને વ્યક્તિની વયગણનાને કયા દૃષ્ટિકોણથી જોવી ? ફરી એક નવું ચિંતન લેખકના ચિત્તમાં જાગ્યું. (ક્રમશઃ) ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ટેલિફોન : ૦૭૯-૨૬૬૦૨૫૭૫. મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫