________________
નવેમ્બર, ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન
મહર્ષિ અરવિંદનું જીવનદર્શન
જ્ઞ જ્યોતિબેન થાનકી
ભારતની આ પવિત્ર ભૂમિ ઉ૫૨ અનેક પ્રકારની સાધનાઓ થતી આવી છે. એ ઋષિઓ, સિદ્ધો, સંતોએ સાધના દ્વારા પ્રાપ્ત કરેલા સત્યને પોતાના દર્શન રૂપે પ્રગટ કર્યું છે. ઋષિઓએ વેદોની ઋચાઓમાં એ દર્શનને પ્રગટ કર્યું. બુદ્ધે મધ્યમ માર્ગ દ્વારા નિર્વાણ પ્રાપ્તિનું દર્શન આપ્યું. ભગવાન મહાવીરે તપશ્ચર્યાના માર્ગ દ્વારા કેવળજ્ઞાનની પ્રાપ્તિનું દર્શન આપ્યું. આદ્યશંકરાચાર્યે અદ્વૈતનું દર્શન આપ્યું. વલ્લભાચાર્યે પુષ્ટિમાર્ગ આપ્યો. ઋષિ દયાનંદે વેદોના પુનરૂત્થાન દ્વારા સત્યાર્થ પ્રકાશનું દર્શન આપ્યું. આ બધામાં આધુનિક યુગના દૃષ્ટા મહર્ષિ અરવિંદનું માનવ પ્રકૃતિના દિવ્ય રૂપાંતર દ્વારા નવી દિવ્ય માનવજાતિના ભાવિનું દર્શન અનોખું છે
મહર્ષિ અરવિંદ જન્મ્યા કલકત્તામાં, અભ્યાસ કર્યો ઈંગ્લેન્ડમાં કાર્ય કર્યું ગુજરાતમાં-મહારાજા સયાજીરાવ ગાયકવાડના શાસનમાંવડોદરામાં તેઓ લગભગ સાડાતે૨ વર્ષ રહ્યા. તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખુલ્લી રીતે ઝૂકાવ્યું. કલકત્તામાં એક વર્ષ અલીપુર જેલમાં રહ્યા. ત્યાં તેમણે ઉગ્ર સાધના કરી વાસુદેવમ્ સર્વમિતિનો સાક્ષાત્કાર કર્યો. પછી પોંડીચેરીમાં ચાલીસ વરસ સુધી સાધના કરી માનવપ્રકૃતિના દિવ્ય રૂપાંતરનો માર્ગ શોધ્યો. એમની આ સાધના દ્વારા જે નવો પ્રકાશ અને દર્શન મળ્યાં તે તેમણે શિષ્યો સાથેના વાર્તાલાપોમાં, પત્રોમાં તથા પુસ્તકોમાં પ્રગટ કર્યાં છે. એ દર્શન શું છે, અને તેના દ્વારા યુગપરિવર્તન શી રીતે થશે એ વિષે આપણે જોઈએ.
આપણે જાણીએ છીએ કે પૃથ્વી ઉ૫૨ વસતી સર્વ જાતિઓમાં મનુષ્યજાતિ સર્વશ્રેષ્ઠ છે. મન અને બુદ્ધિના વિકાસથી વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા મનુષ્યોએ અસીમ પ્રગતિ સાધી છે. સ્થળનાં અંતરો મીટાવી દીધા છે. અવકાશને આંબી લીધું છે. પણ છતાં માનવજાતિના મૂળભૂત દુ:ખો તો ઓછાં થયાં નથી. તેણે નાનકડાં એવાં પોતાના મન પર હજુ વિજય મેળવ્યો નથી. મનમાં અસંખ્ય વિચારો, માન્યતાઓ, પક્ષપાતો, પૂર્વગ્રહો, માની લીધેલા ખ્યાલો, કેટકેટલું ભરેલું હોય છે! તો વળી મનુષ્યની પ્રાણમય પ્રકૃતિ તો એથીય નિમ્ન વસ્તુઓથી ભરેલી હોય છે! તેમાં અનેક પ્રકારની ઈચ્છાઓ, આવેગો, લાગણીઓ, વાસનાઓ, રાગ-દ્વેષ, સ્વાર્થ, અભિમાન, ક્રોધ, લોભ, સત્યનો વિરોધ–કેટકેટલું એમાં ભરેલું હોય છે. અને શરીર? તેમાં મૂઢતા, રોગ, અશ્રદ્ધા, જડતા, તમસ, પ્રમાદ, શિથિલતા, પ્રગતિનો ઈન્કાર–આ બધું તો શારીરિક પ્રકૃતિ સાથે યુગોથી સંકળાયેલું છે. આ બધું તો છે જ, પણ વળી, મૃત્યુની સતત લટકતી તલવાર ક્યારે કોના ઉપર વીંઝા એ સાવ અનિશ્ચિત. જન્મ, જરા, વ્યાધિ અને મૃત્યુ આ ચાર તો શરીર સાથે યુગોથી જડાયેલાં દુ:ખો છે. આ રીતે જોતાં માનવજાતિ આજે પણ પોતાની મનોમય, પ્રાણમય કે શારીરિક પ્રકૃતિની ગુલામ છે. તો પ્રશ્ન એ થાય છે કે શું માનવજાતિએ આ દુ:ખો હંમેશા સહ્યા જ કરવાના?
૫
તેનો કાયમી ઉપાય શો?
જે પ્રશ્ન કુમાર સિદ્ધાર્થને ઊઠ્યો હતો, એ જ પ્રશ્ન શ્રી અરવિંદને પણ ઊઠ્યો. કુમાર સિદ્ધાર્થે મહાભિનિષ્ક્રમણ કરી કઠોર તપશ્ચર્યા દ્વારા બુદ્ધત્વની પ્રાપ્તિ કરી. દુઃખમુક્તિ માટે તેમને નિર્વાણનો માર્ગ મળ્યો. આ યુગમાં શ્રી અરવિંદે પણ મહાભિનિષ્ક્રમણ કરી પોંડિચેરીમાં ચાલીશ વરસ સુધી એકાંત સાધના કરી. નવી ચેતનાના અવતરણમાં તેમને માનવજાતિની દુ:ખમુક્તિનો માર્ગ મળ્યો. આ વિષે તેમણે એક પત્રમાં જણાવ્યું હતું કે, ‘ઊર્ધ્વમાં એટલે કે અતિમનસની ભૂમિકામાં પહોંચ્યા વગર જગતના અંતિમ રહસ્યને જાણવું અસંભવિત છે. તે વિના જગતની સમસ્યા ઉકલવાની નથી.’ આ નૂતન ચેતના જેને શ્રી અરવિંદે અતિમનસ ચેતના નામ આપ્યું છે, તેના દ્વારા માનવજાતિનું દિવ્યરૂપાંતર થતાં સમગ્ર માનવજાતિ સઘળાં દુ:ખોમાંથી મુક્ત બનશે, એ જ શ્રી અરવિંદ દર્શનનું હાર્દ. શ્રી અરવિંદ દર્શનની મુખ્ય
બાબતો :
શ્રી અરવિંદનું દર્શન આ સાત બાબતો દ્વારા સહેલાઈથી સમજી શકાય છે. તેમાં પ્રથમ છે ઉત્ક્રાન્તિ અને ચેતનાનો વિકાસક્રમ, બીજું છે અતિમનસ, ત્રીજું માનવ ચેતનાનું આરોહણ, ચોથું દિવ્યચેતનાનું અવતરણ, પાંચમું દિવ્ય રૂપાંતર, છઠ્ઠું દિવ્યજીવન અને સાતમું પૂર્ણયોગ. આ સાત શબ્દોમાં શ્રી અરવિંદનું સમગ્ર દર્શન અંતર્નિહિત છે.
(૧) ઉત્ક્રાન્તિ અન ચેતનાનો વિકાસક્રમ :
આધુનિક વિજ્ઞાન મનુષ્યની ઉત્પત્તિનો વિકાસક્રમ આ રીતે વર્ણવે છે ઃ જડ પદાર્થ-વનસ્પતિ, જળચર સૃષ્ટિ-પ્રાણીઓ-મનુષ્યો. વિજ્ઞાન મનુષ્યને ઉત્ક્રાન્તિનું અંતિમ સોપાન માને છે કે હવે આનાથી આગળ ઉત્ક્રાન્તિની શક્યતા ન હોઈ શકે. જ્યારે શ્રી અરવિંદનું દર્શન મનુષ્ય પછી પણ ઉત્ક્રાન્તિના આગળના સોપાનની વાત કરે છે. વૈજ્ઞાનિકો આંખોથી દેખાતા બાહ્યરૂપોનો આધાર લઈને ઉત્ક્રાન્તિની વાત કરે છે. જ્યારે શ્રી અરવિંદનું દર્શન ચેતનાના ઉત્થાનમાં, આધ્યાત્મિક વિકાસમાં પ્રગટ થાય છે. તેઓ સમજાવે છે કે સૃષ્ટિની ઉત્પત્તિ પરમતત્ત્વમાંથી થઈ છે, આથી એ જડતત્ત્વમાં પણ પરમ ચેતના અંતર્નિહિત છે. એ ચેતના પોતે જે મૂળતત્ત્વમાંથી છૂટી પડી છે, તેના પ્રત્યે ગતિ કરી રહી છે. જડતત્ત્વમાંથી ચેતનાની પરમતત્ત્વ પ્રત્યેની ગતિ એ જ તો છે, પ્રકૃતિનો યોગ. અત્યારે પ્રકૃતિએ જડતત્ત્વ પછી પ્રાણશક્તિ અને પછી મનની શક્તિ સુધી વિકાસ સાધ્યો છે, હજુ તેની ગતિ અવિરત ચાલુ જ છે, મનથી પણ આગળ રહેલા પરમતત્ત્વ પ્રત્યે. પરંતુ એ ગતિ ઘણી ધીમી છે. જે રીતે પ્રાણશક્તિ પછી મનની શક્તિ સક્રિય થતાં લાખો વરસ નીકળી ગયાં, એ જ રીતે મનની શક્તિ