________________
મહાવ્રતો
પ્રત્યેક સંયમી નિશ્ચય કરે કે “મારે ગુરુ પાસેથી શિષ્ય, વ્યાખ્યાન, પ્રશંસા, પદવી, ડાબા-જમણા હાથની બેઠક, બેકલાક વાતચીત... કશું જ જોઈતું નથી. ગુરુએ આ બધું જ બીજાને જેટલું આપવું હોય એટલું ભલે આપે. મારે તો માત્ર ને માત્ર ગુરુને પરતન્ત્ર રહેવું છે. એ રીતે ગુરુપારતન્ત્યની જિનાજ્ઞા પાળવી છે. એ રીતે મારા દોષોનો ક્ષય કરવો છે, ગુણો મેળવવા છે, સંયમ સફળ કરવું છે, સંસાર ખતમ કરી દેવો છે... બસ,બસ,બસ ! બીજું કંઈ જ મારે ન જોઈએ. મનમાં પણ હું બીજો વિચાર નહિ કરું. મને વિશ્વાસ છે કે આ જિનાજ્ઞાપાલન મને મારી મનગમતી વસ્તુ-મોક્ષ આપશે જ. પછી મારે ક્યાંય આઘાપાછા થવું નથી. ગુરુથી અલગ થવું નથી. અહીં રહીને સહન કરવાની, ગળી જવાની સાધના જ કરવી છે...
(ગ) “ગુરુનો સ્વભાવ બગડી ગયો છે, નાની નાની વાતોમાં કચકચ કરે છે. માટે અમને ફાવતું નથી.” આવી ફરિયાદ કરનારા સંયમીઓની પાસે ઘણા સંસારીઓ મળવા આવતા હશે. કદાચ એમાંથી એ સંયમીઓના સગા ભાઈઓએ કે બીજાઓએ પણ સંયમીઓને આ વાત કરી હશે કે “પપ્પા-મમ્મીનો સ્વભાવ બગડી ગયો છે. નાની નાની વાતોમાં કચ કચ કરે છે. બધી બાબતમાં સલાહ આપવા જોઈએ. એટલે જ મારી ધર્મપત્ની સાથે પણ એમનો મેળ પડતો નથી. રોજરોજની આ માથાજીકથી હું તો કંટાળી ગયો છું. પપ્પા-મમ્મીનો સ્વભાવ સુધરે એ શક્ય જ નથી. આના કરતા હું પરિવાર સાથે જૂદો રહેવા જતો રહું તો રોજના ઝઘડા બંધ થાય. બધાને શાંતિ! પપ્પા-મમ્મી પણ શાંતિથી રહે...''
બોલો, ગુરુના વિપરીત સ્વભાવની ફરિયાદ કરનારા સંયમીઓએ પોતાના સગાભાઈ કે બીજા કોઈ સંસારીને આ વખતે શું જવાબ દીધો હશે ?
એ બોલ્યા હશે ને ? કે “આ તું શું બોલે છે ? તું કપુત છે ? કે સપૂત ? મા-બાપે તને જન્મ આપ્યો, તને ભણાવી-ગણાવીને મોટો કર્યો. તારા માટે કેટલા કષ્ટો વેઠ્યા. આજે તું જે કંઈ છે, એ એમના પ્રતાપે છે. હવે આજે ઉંમરના કારણે એમના સ્વભાવમાં કંઈક દોષો ઊભા થયા હોય તો એ તારે સહન કરવા જોઈએ. એમને છેલ્લી ઉંમરમાં વધુ ને વધુ પ્રસન્નતા આપવી જોઈએ.
તું કહે છે કે ‘તેઓનો સ્વભાવ બદલાતો નથી, બદલાવાનો નથી.' તો તું પણ એમના સ્વભાવને સહન નહિ કરી શકવા રૂપ તારો અસહિષ્ણુતાનો સ્વભાવ ક્યાં બદલે છે ? તેઓ પોતાનો ખરાબ સ્વભાવ ન છોડે, માટે ખરાબ. તું અસહિષ્ણુતા નામનો તારો સ્વભાવ ન છોડે તો તું ય ખરાબ જ ને ? તારી જાતને સારી કહેવડાવવી હોય તો તારો સ્વભાવ બદલ ને ? સહિષ્ણુ બની જા ને ? એમના સ્વભાવને સહન કરી લે ને ?
૬૪