________________
•
પ્રથમ મહાવ્રત
**
સાતિચાર ઉત્સર્ગનો માલિક બને.
(ગ) સાતિચાર ઉત્સર્ગવાળો જીવ સદ્ગુરુનું માર્ગદર્શન, અતિચારોની આલોચના, તીવ્ર ચારિત્રપરિણામ વગેરે દ્વારા નિરતિચાર ઉત્સર્ગ તરફ આગળ વધતો જાય.
(ઘ) સાતિચાર ઉત્સર્ગવાળા જીવમાં જો અતિચારોની આલોચના વગેરે ન હોય, ઓછા હોય તો ધીમે ધીમે તે સાતિચાર-અપવાદ તરફ, ઉન્માર્ગ-અપવાદ તરફ ઢળી જાય.
(ચ) નિરતિચાર અપવાદ પણ વિશ્વાસપાત્ર નથી, કેમકે જેનો ચારિત્રપરિણામ મંદ હશે, તે નિરતિચાર અપવાદ સેવતા સેવતા જ સાતિચાર અપવાદમાં અને છેવટે ઉન્માર્ગ અપવાદમાં ઢળી જશે. આ સૌથી મોટું ભય સ્થાન છે. આ અપવાદ એવો લીસો પત્થર છે, કે જેમાંથી લપસીને પતનની ખાઈમાં પડી જવાનું જોખમ ખૂબ ખૂબ રહે છે. (છ) ઉન્માર્ગ ઉત્સર્ગ કે ઉન્માર્ગ અપવાદ બેમાંથી એકેયમાં ચારિત્ર પ્રાયઃ સંભવિત નથી.
(જ) ઉન્માર્ગ ઉત્સર્ગમાં તો પ્રાયઃ સમ્યક્ત્વ પણ સંભવિત નથી. કેમ કે સમ્યકત્વી આત્મામાં આવા પ્રકારની જડતા પ્રાયઃ સંભવિત જ નથી કે એ મોટા નુકસાનો સ્વીકારીને પણ ઉત્સર્ગ પકડી રાખે. પણ ઉન્માર્ગ અપવાદમાં જો પશ્ચાત્તાપ હોય તો એમને સમ્યકત્વની સંભાવના ખરી. તે જીવો જે નિષ્કારણ અને વગર યતનાએ દોષ સેવે છે, તે તો ચારિત્રમોહનીય કર્મનો ભયાનક મહિમા છે. પણ એ વખતે પણ પશ્ચાત્તાપાદિ હોઈ શકે છે. એટલે એમને સમ્યક્ત્વની સંભાવના છે.
સંવિગ્નપાક્ષિકો આ ભૂમિકામાં જ છે. તેઓ આમ ઉન્માર્ગ અપવાદના સેવનારા છે, છતાં પશ્ચાત્તાપાદિ હોવાથી તેઓ સમ્યગ્દષ્ટિ છે.
કેવી વિચિત્રતા !
ઉન્માર્ગ ઉત્સર્ગનું સેવન પ્રાયઃ મિથ્યાત્વમોહના ઉદયથી થાય, ચારિત્રમોહોદયથી નહિ. ઉન્માર્ગ અપવાદનું સેવન ચારિત્રમોહના ઉદયથી થાય, મિથ્યામોહોદય ત્યાં ન પણ હોય. આ તો અમુક બાબતો જ બતાવી.
આવી તો ઘણી ઘણી વિશેષતાઓ આ છ પદાર્થ અંગે વિચારી શકાય.
ફરી એ વાત કે જીવની પરિણિત અનેકાનેક પ્રકારની સંભવે છે, અને માટે જ આ બધી બાબતમાં કોઈપણ એકાંત બાંધી શકાતો નથી. કરોડો-અબજો પ્રકારની પરિણતિઓની વિશેષતાઓ લખીને દર્શાવવી અશક્ય છે. એ જેમ જેમ નજર સામે ઉપસ્થિત થાય, તેમ તેમ એની સમજણ પ્રાપ્ત થતી જાય.
એટલે ‘જેટલી વિશેષતાઓ જણાવી છે, એટલી જ છે.’ એમ પણ ન માનવું કે ‘એ અંતિમ સત્ય છે.' એમ પણ ન માનવું.
૧૬૯