________________
મહાવ્રતો
વાતચીત વગેરે નહિ કરીએ.”
વિજાતીયપરિચયના પણ અનેક પ્રકારો છે. (૧) વિજાતીયને જોવાની પ્રવૃત્તિ (૨) વિજાતીય સાથે વાતો કરવાની પ્રવૃત્તિ. (૩) વિજાતીય સાથે પત્રવ્યવહારાદિ પ્રવૃત્તિ. (૪) વિજાતીયને પાત્રા રંગવા-ઓઘા ટાંકવા... વગેરે કાર્યો સોંપવાની પ્રવૃત્તિ
આ બધામાં નુકસાનો સંભવિત છે. એમાંય સૌથી વધારે ભયંકર છે વિજાતીયને જોવાની પ્રવૃત્તિ ! પ્રાયઃ વિકારોની ઉત્પત્તિ વિજાતીયદર્શનથી જ થાય છે. જો વિજાતીય દર્શન નહિ, તો પ્રાયઃ વિકાર નહિ. સ્વર્ગની અપ્સરાઓ કે મૃત્યુલોકની પણ કરોડો સ્ત્રીઓ સંબંધી વિકારો જાગતા નથી, કેમકે એમનું દર્શન થયું નથી. જ્યાં વિજાતીય દર્શન થયું છે, ત્યાં જ વિકારો જાગ્યા છે... રે ! ગોચરી વગેરેમાં સ્ત્રી સાથે વાતચીતાદિ કરવા પડે, ત્યારે પણ જો આંખો નીચી રખાય તો પ્રાયઃ વિકારો જાગતા નથી. જ્યારે વાતચીતાદિ વિના પણ જો દૃષ્ટિથી પરિચય થાય તો પ્રાયઃ વિકારોની શક્યતા રહે છે. એટલે સાવ સીધો-સાદો-સરળ ઉપાય એ કે વિજાતીય તરફ જોવું નહિ.' આ ઉપાયને બરાબ૨ આત્મસાત્ કરી લેવો જોઈએ. મનમાં કદાચ બળવો જાગે, તો પણ મનને સમ્યક્ રીતે સમજાવીને પણ આ પદાર્થ સિદ્ધ કરી લેવો જોઈએ.
જો કે વિજાતીયદર્શન કરતા પણ વિજાતીયસ્પર્શ વધુ ભયાનક છે. માટે જ સ્થૂલભદ્રજીએ કોશાને બધું દેખાડવાની રજા આપી. પણ સ્પર્શની રજા નથી આપી. છતાં સાધુજીવનમાં વિજાતીયસ્પર્શ નામનું નિમિત્ત પ્રાયઃ આવતું જ નથી. એટલે એનું પાલન સુલભ છે. જે નિમિત્ત આવે છે, તે વિજાતીયદર્શનનું આવે છે... એટલે એના ઉપર જ વધુ ધ્યાન આપવું.
વળી મોટા ભાગે તો એવું જ બને છે કે વિજાતીયસ્પર્શ પણ સીધે સીધો આવતો નથી. જો વિજાતીયદર્શન વિકારો જગાડે, તો વિજાતીયસ્પર્શ તરફ પ્રવૃત્તિ થાય. એટલે વિજાતીયસ્પર્શ વિજાતીયદર્શનથી જ મોટા ભાગે ઉત્પન્ન થતો હોવાથી વિજાતીયદર્શન જો બંધ થાય, તો આપો આપ વિકારો બંધ થઈ જવા દ્વારા વિજાતીય સ્પર્શને ઉત્પન્ન થવાનો અવસર જ ન રહે.
આ બધું સામાન્યથી, ૯૯% રૂપે સમજવું. બાકી ૧% તો આમાં પણ ફેરફાર હોઈ
શકે છે.
અશુભભાવને અટકાવવા માટે એના નિમિત્તો ત્યાગ્યા, પણ શુભભાવ લાવવા માટે, મન નિમિત્તો તરફ ન ખેંચાય એવું ગોઠવવા માટે સતત શુભપ્રવૃત્તિ જરુરી છે. એમાં પણ વિકારો-વાસનાઓ એ મુખ્યત્વે મનનો વિષય છે. એટલે જ મન જો સારી જગ્યાએ સ્થિર થઈ જાય, તો બ્રહ્મચર્ય એકદમ સરળ બની જાય.
****૨૩૬