________________
- પ્રથમ મહાવ્રત
આપણે એનું સમાધાન શોધીએ.
(૧) અપવાદના સ્થાનમાં ઉત્સર્ગ સેવવાથી જો વધુ નુકસાન થવાનું હોય એને બદલે ત્યાં અપવાદ સેવવામાં ઓછું નુકસાન થવાનું હોય તો ત્યાં અપવાદ સેવન સારું. (૨) અપવાદના સ્થાનમાં ઉત્સર્ગ સેવવાથી જો ઓછું નુકસાન થવાનું હોય એને બદલે ત્યાં અપવાદ સેવવામાં વધુ નુકસાન થવાનું હોય તો ત્યાં ઉત્સર્ગસેવન સારું. આમ નફા-નુકસાનના આધારે બંને શાસ્ત્રપાઠો સાચા જ ઠરે છે.
આ વાતને દૃષ્ટાન્તથી સમજીએ.
ગાઢ માંદગીમાં આધાકર્મી ન લેવાથી, દવા ન લેવાથી, હોસ્પીટલમાં દાખલ ન થવાથી જો મોત થઈ જાય એવી પરિસ્થિતિ હોય અને આ દોષો સેવવાથી મોતથી બચી શકાય એમ હોય તો ત્યાં અપવાદ જ સેવવો યોગ્ય છે. કેમકે એમાં સંયમવિરાધનારૂપી નાનો દોષ લાગશે, પણ આત્મવિરાધના રૂપી મોટો દોષ નહિ લાગે.
પણ ઘણા લાંબા વિહારને કારણે શરીર સખત થાકી ગયું હોય, નબળું પડી ગયું હોય તે વખતે જો આધાકદિ ન લઈએ, પણ ચાર-પાંચ દિવસ આરામ કરી લઈએ અને શરીરનો થાક... નબળાઈ નીકળી જતા હોય... તો એ ચારપાંચ દિવસ નબળાઈ રહેવા છતાં, એનાથી સ્વાધ્યાયાદિમાં થોડોક વ્યાઘાત થવા છતાં પણ એ દોષ નાનો છે. પણ એને બદલે જો તરત આધાકર્માદિ વાપરી લેવામાં આવે, તો જો કે થાક-નબળાઈ તરત ઉતરી પણ જાય. (ગરમાગરમ તે તે વસ્તુઓ વાપરવાથી તરત સ્ફૂર્તિ આવે, એ સંભવિત છે. ) પરંતુ એમાં આધાકર્માદિ દોષોનું સેવન મોટો દોષ છે.
ચાર-પાંચ દિવસ સ્વાધ્યાયનો થોડોક વ્યાઘાત થવો એ દોષ અને આધાકર્મી વાપરી લેવું એ દોષ એ બે વચ્ચે આધાકર્મી વાપરી લેવું એ દોષ વધુ ભયંકર છે. કેમ કે ધીરે ધીરે એના ખોટા સંસ્કારો પડી જવાની શક્યતા ત્યાં રહેલી છે.
મુખ્યત્વે ત્રણ વિરાધના નજર સામે રાખવી. (૧) સંયમ વિરાધના (૨) આત્મવિરાધના (૩) શાસન-વિરાધના. આ ત્રણ વિરાધના ઉત્તરોત્તર ભયંકર છે. એટલે જ અપવાદના સ્થાનમાં પણ અપવાદ સેવવામાં જો મોટી વિરાધના થવાની હોય, એને બદલે ઉત્સર્ગ સેવવામાં જો નાની વિરાધના થતી હોય તો ત્યાં ઉત્સર્ગ જ સેવવો. પણ જો એનાથી વધુ હોય તો અપવાદ સેવવો.
સંયમવિરાધનામાં પણ કઈ સંયમવિરાધના મોટી, કઈ નાની ? વગેરે પણ સૂક્ષ્મ રીતે વિચારવું પડે. એ રીતે આત્મવિરાધનામાં પણ સમજી લેવું. બધી જ આત્મવિરાધના બધી જ સંયમ વિરાધના કરતા મોટી જ છે, એવું પાછું નથી. થાક લાગવો, પગ દુખવા વગેરે પણ આત્મવિરાધના જ છે, પણ એની સામે આધાકર્માદિ દોષો રૂપી સંયમવિરાધના મોટી છે.
* ૧૬૧ ****
*******