________________
પ્રથમ મહાવ્રત
કરતા કરતા ચાલતા હોઈએ અને થૂંક રસ્તા પર પડે, એ ૪૮ મિનિટમાં જો ન સુકાય તો સંમૂચ્છિમની વિરાધના ગણવી.
(બ)
કોઈપણ ગૃહસ્થને પ્રાયઃ કોઈપણ કામ સોંપવામાં આવે, તો એ ગૃહસ્થો તે કામ કરવામાં અયતનાના કારણે ઘણા બધા ત્રસજીવોની વિરાધના કરનારા બને એ શક્ય છે. એ બધાનો દોષ ગૃહસ્થને કામ સોંપનાર સાધુને લાગે.
(ભ) સર્ફ વગેરેમાં કપડા બોળતા પહેલાં જો બરાબર જોઈ લેવામાં ન આવે તો એ કપડાઓમાં ત્રસજીવો જો ચડી ગયેલા હોય, તો એ જીવો પણ સર્ફના પાણીમાં ભેગા બોળાઈ જાય અને મરી જાય. એમ કોઈપણ ઉપધિના ઉપયોગ વખતે જો પૂર્વે ઉપધિ જોવામાં ન આવે, તો એ ઉપધિના વપરાશમાં ત્રસજીવોની વિરાધના થાય.
આવી તો ઢગલાબંધ ત્રસજીવોની વિરાધના સંભવિત છે. આમાં પણ અમુક વિરાધના કરણરૂપ, અમુક કરાવણરૂપ, અમુક અનુમોદનરૂપ છે. એ બધાનો મન, વચન, કાયાથી ત્યાગ કરવો જોઈએ.
પ્રશ્ન : આપે જે વિરાધનાઓ દર્શાવી છે, એ તો જીવનમાં ઘણી બધી વખત થાય છે. જો એનાથી મહાવ્રતનો ભંગ થતો હોય તો તો અમારા મહાવ્રતનો ભંગ જ થયેલો માનવો પડે. અને તો પછી કોઈપણ સાચો સાધુ માની જ નહિ શકાય. કેમકે દરેકે દરેકમાં તમે દર્શાવેલા દોષોમાંથી નાના-મોટા દોષો તો છે જ, અને એને તમે મહાવ્રતનો ભંગ ગણો છો, અને મહાવ્રતના ભંગવાળાને વળી સાધુપણું શી રીતે ?
રે ! માત્ર વર્તમાનકાળમાં જ નહિ, ખુદ તીર્થકર દેવોની હાજરી વખતે પણ દરેકે દરેક સાધુને પોતાના જીવનમાં આવી નાની મોટી વિરાધનાઓ થતી જ હશે. શું બધા સાધુઓ ચોમાસામાં ચાર મહિના ઉપવાસ કરતા હતા ? શું તેઓ ઉપાશ્રયમાંથી ચાર મહિના બહાર નિકળતા જ ન હતા ? ના રે ના ! એમને પણ ચોમાસામાં ગોચરી-પાણીઠલ્લે વગેરે માટે બહાર તો જવું જ પડતું, તો એમને પણ કાચા પાણીની - નિગોદની વિરાધના તો થતી જ હતી. એટલે એ બધામાં પણ મહાવ્રતનો ભંગ માનવો જ પડે. તો એ પણ સાચા સાધુ તો ન જ રહ્યા.
એટલે તમે વાતો બધી ઉંચી ઉંચી કરી. પણ એ બધુ વિચિત્ર અને ન સમજાય એવું છે. ઉત્તર : શાબાશ ! ખૂબ જ માર્મિક પ્રશ્ન કર્યો છે તેં ! રે ! હું તો તારા કરતા પણ એક વધારે મોટી આપત્તિ આપું કે જો ઉપર બતાવેલી વિરાધનાઓ પ્રમાણે મહાવ્રતનો ભંગ મનાતો હોય તો તો ખુદ કેવલીઓને પણ મહાવ્રતના ભંગવાળા માનવા પડે. કેમ કે કેવલીઓના પગ નીચે પણ ત્રસ જીવ મૃત્યુ પામે એવું બની શકે. નદી ઉતરતી વખતે કેવલીઓ પણ મહાવ્રતના ભંજક માનવા પડે.
* ૧૪૫