________________
૧૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
અધ્યાપક પાસે ભણવા મૂક્યાં. પરંતુ આમાંથી કોઈને ભણવામાં રસ ન હતો. બધાં જ અવિનયી પ્રમાદી અને ઉદ્ધત હતાં. તે બધાં અધ્યાપકને સતાવતાં અને જ્ઞાનની મજાક-મશ્કરી કરતાં. આથી એક દિવસ અધ્યાપકે તે દરેકને સોટી મારીને સજા કરી.
સંતાનોને ઘરે રડતાં આવેલાં જોઈને મા સુંદરીએ અધ્યાપકને ગાળો આપી અને ભણતરની, જ્ઞાનની ઠેકડી કરી. તેણે પતિને પણ કહ્યું : “છોકરાઓ ભણે તોય શું અને ન ભણે તોય શું ? આ દુનિયામાં જ્ઞાનની કશી જ કિંમત નથી. જ્ઞાનથી કંઈ પેટ ભરાતું નથી, પેટ તો પૈસાથી જ ભરી શકાય છે.”
જિનદેવે સુંદરીને સમજાવ્યું કે જે માતા-પિતા પોતાનાં સંતાનોને ભણાવતાં નથી તે માતાપિતા સંતાનોના શત્રુ સમાન છે. કારણ કે જેમ હંસની સભામાં બગલો શોભતો નથી, તેમ વિદ્વાનોની સભામાં અજ્ઞાની પુત્રો પણ શોભતા નથી.”
સુંદરીએ આ સાંભળીને જિનદેવનો ઊલટો ઉધડો લીધો. જિનદેવ મૌન રહ્યો. સમય જતાં સંતાનો મોટાં પરણાવવા યોગ્ય થયાં. ત્યારે જિનદેવે સુંદરીને કહ્યું : “તેં સંતાનોને ભણાવ્યા નહિ અને અધૂરા ભણતરે ઉઠાડી લીધા. આથી જો હવે તેમની સાથે સગપણ બાંધવા કોઈ તૈયાર થતું નથી. તેં તેઓને અભણ અને અજ્ઞાની રાખીને બધાંનો ભવ બગાડ્યો.”
સુંદરી આથી ગુસ્સે થઈ ગઈ. તે બરાડી ઊઠી : “એમાં તમારો જ વાંક છે. બાપ તેવા બેટા. દીકરી તો મા જેવી હોય છે. દીકરા અભણ રહ્યા તેમાં તમારો જ દોષ છે. અત્યારે એ માટે તમે મને શા માટે દોષ આપો છો ?’’
જિનદેવને આથી ગુસ્સો ચડ્યો. તે મોટેથી બોલ્યો : “પાપિણી ! મારી સામું બોલે છે ?’ આની સામું સુંદરી એટલા જોરથી તાડૂકી : ‘પાપિણી હું નથી પરંતુ પાપી તમારો બાપ છે કે જેણે તમને નકામા આ જગત પર પેદા કર્યા.”
આવું કઠોર અને કર્કશ સાંભળીને જિનદેવનો પિત્તો ગયો. તેણે એક પથ્થર ઉપાડીને સુંદરીને માથામાં માર્યો. પથ્થર મર્મસ્થાને વાગવાથી સુંદરી તત્કાળ જ મૃત્યુ પામી. એ સુંદરી તે જ તારી આજની પુત્રી ગુણમંજરી છે. ગયા ભવમાં તેણે જ્ઞાનની વિરાધના કરી હતી, જ્ઞાનની ઉપેક્ષા અને મજાક કરી હતી, જ્ઞાનીનું અપમાન કર્યું હતું. તેમને ગાળો આપી હતી. આથી એ પાપકર્મના કા૨ણે આજ તે મૂંગી અને રોગી બની છે.”
પોતાનો પૂર્વભવ સાંભળતાં જ ગુણમંજરીને જાતિસ્મરણ જ્ઞાન થયું. ગત ભવના પાપ માટે તેને પારાવાર પસ્તાવો થયો. તે માથું કૂટીને રડવા લાગી. આ જોઈને સિંહદાસ શ્રેષ્ઠીએ ગુરુ ભગવંતને પુનઃ વિનંતી કરી : “હે પૂજ્યવર ! આપે રોગ તો બતાવ્યો. હવે આપ તેનો ઉપચાર પણ બતાવો. મારી પુત્રી એ પાપકર્મથી કેવી રીતે મુક્ત બની શકે. તે માટે આપ કોઈ વ્રત-તપ બતાવો.”