________________
૧૩
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
મહણસિંહને માનભેર કેદમાંથી મુક્ત કર્યો અને ખૂબ જ ઠાઠમાઠથી તેનું સન્માન કર્યું. એ પછી મહણસિંહનો તે રાજદરબારમાં ખૂબ જ આદર કરાતો. સમય જતાં બાદશાહે મહણસિંહને રાજ્યનો કોષાધ્યક્ષ બનાવ્યો.
ભવ્યજીવોએ આ મહણસિંહના દૃષ્ટાંતથી પ્રેરણા લઈને સામાયિક વ્રતનું નિત્ય સેવન કરવું જોઈએ. એ વ્રતથી આ ભવ અને પરભવ બંને ભવમાં લાભ થાય છે.
૧૪૦
સામાયિકના ભેદ
સામાયિક વ્રતના આરાધનથી મહાન લાભ થાય છે. આ ભવ અને પરભવ બંને માટે તે કલ્યાણકારી વ્રત છે. આ વ્રતના કેટલાક પ્રકાર-ભેદ છે તે આ પ્રમાણે :
सामायिकं स्यात्त्रैविध्यं सम्यक्त्वं च श्रुतं तथा । चारित्रं तृतीयं तच्च, गृहिकमनगारिकम् ॥
ભાવાર્થ :- સામાયિકના ત્રણ પ્રકાર છે. સમકિત સામાયિક, શ્રુત સામાયિક અને ચારિત્ર સામાયિક. આ છેલ્લા ચારિત્ર સામાયિકના ગૃહિક અને અનગારિક એમ બે ભેદ છે. ગૃહિક સામાયિક એટલે શ્રાવકોનું સામાયિક અને અનગારિક સામાયિક એટલે સાધુઓ માટેનું સામાયિક.
વિસ્તરાર્થ ઃ- ઉપશમ આદિ ભેદથી પ્રથમ સમકિત સામાયિકના પાંચ પ્રકાર છે. બીજું શ્રુત સામાયિક દ્વાદશાંગી રૂપ છે. ત્રીજા ચારિત્ર સામાયિકના ગૃહિક અને અનગારિક એમ બે ભેદ છે. ગૃહિક સામાયિક એટલે દેશવિરતિ સામાયિક. આ સામાયિક દ્વાદશવ્રતના આરાધનરૂપ છે અને અનગારિક સામાયિક સર્વ પ્રકારના સાવઘના ત્યાગવાળું અને પંચમહાવ્રત રૂપ છે. આથી આ અનગારિક સામાયિકને સર્વવિરતિ ચારિત્ર સામાયિક કહેવાય છે. તે સર્વદ્રવ્ય વિષયસંબંધી છે. આ અંગે કહ્યું છે કે ઃ
:
पढमंमि सव्वजीवा, बीए चरमे य सव्वदव्वाइं । सेसा महव्वया खलु, तदिक्क देसेण दव्वाणं ॥
--
વિસ્તરાર્થ :- પહેલા મહાવ્રત અહિંસામાં સર્વ સૂક્ષ્મ-બાદ૨ જીવોનું પાલન કરવાનું હોય છે. આથી તેમાં એક દ્રવ્ય આવે છે. બીજા સત્યવ્રતમાં અને પાંચમા અપરિગ્રહવ્રતમાં સર્વ દ્રવ્ય આવે છે. દા.ત. આ પંચાસ્તિકાયાત્મક લોક કોણે જોયો છે ? એ બધી કપોલકલ્પિત વાતો છે.’ વગેરે વચનો બોલવાના ત્યાગથી બીજા સત્યવ્રતમાં છએ દ્રવ્યનો સંબંધ થાય છે અને પાંચમા અપરિગ્રહવ્રતમાં એવું વિચારવામાં આવે છે કે હું જ સર્વ લોકનો સ્વામી થાઉં તો સારું, તો તેવી મૂર્છા-મોહના ત્યાગરૂપ આ મહાવ્રત હોવાથી તેમાં છએ દ્રવ્યનો સમાવેશ થાય છે.