________________
૧૪૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ હે ગૌતમ! ત્યાંથી મરીને પરદેશી પહેલા દેવલોકમાં સૂર્યાભવિમાનને વિષે ચાર પલ્યોપમના આયુષ્યવાળો દેવતા થયો.
માત્ર ઓગણચાલીસ દિવસ જ પરદેશી રાજાએ શ્રાવકના બારવ્રતનું રૂડી રીતે આરાધન કર્યું હતું. તેના ફળસ્વરૂપે તે સાડા બાર લાખ યોજનાના વિસ્તારવાળા વિમાનમાં મહદ્ધિક દેવતા થયો. પરદેશીના ભાવમાં તેણે માત્ર તેર છઠ્ઠ કરી તેરમા છઠ્ઠના પારણે અનશન કર્યું હતું.
“દેવપણે ઉત્પન્ન થયા પછી અવધિજ્ઞાને કરી સમકિત પ્રાપ્ત થયાના પૂર્વવૃત્તાંતને જાણી તે સૂર્યાભદેવ પૃથ્વી પર આવ્યો અને ભગવંત પાસે નાટક કર્યું. અનુક્રમે દેવગતિમાં ચાર પલ્યોપમનું આયુષ્ય ભોગવી ત્યાંથી આવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને મોક્ષે જશે.
ભવ્યજીવોએ આ પરદેશી રાજાની કથામાંથી એ પ્રેરણા લેવાની છે કે વ્રતની આરાધનામાં સમયમર્યાદાનું ખાસ મહત્ત્વ નથી. થોડા સમય માટે પણ વ્રતોનું વિશુદ્ધપણે આરાધન કરવાથી કર્મના બંધનો તૂટે છે અને કાળક્રમે આત્મા સકળ કર્મથી મુક્ત બની જાય છે.
૧૮૦.
શ્રાવક ધર્મનું સ્વરૂપ શ્રાવકધર્મનું વર્ણન કરતાં કહે છે કે –
गृहेऽपि संवसन् कश्चित्, श्रावको निःस्पृहाग्रणीः ।
कूर्मापुत्र इवाप्नोति, केवलज्ञानमुज्ज्वलम् ॥ ભાવાર્થ :- કોઈ શ્રાવક ઘરમાં રહેવા છતાં પણ જો નિઃસ્પૃહના અગ્રેસરપણે વર્તે તો કૂર્માપુત્રની જેમ તે ઘરમાં પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે.
કૂર્મપુત્રની કથા દુર્ગમપુરમાં દ્રોણ અને દ્રમાદેવી નામે રાજા-રાણી હતાં. તેમને દુર્લભ નામે પુત્ર હતો. આ પુત્ર દુર્લભ બેફિકર હતો. કુમારોને તે દડાની જેમ આકાશમાં અદ્ધર ઉછાળતો અને આનંદ પામતો હતો. આ તેની એક ટેવ હતી.
એક વખત તે નગરમાં કેવળી ભગવંત સમોસર્યા. જે વનમાં તે સમોસર્યા તે વનની યક્ષિણી ભદ્રમુખીએ પૂછ્યું: “ભગવંત ! મારા પૂર્વભવના સ્વામીની શી ગતિ થઈ હશે.”
“ભદ્રમુખી ! તારો પૂર્વભવનો સ્વામી આ નગરના રાજાના પુત્રરૂપે જન્મ પામ્યો છે.” કેવળજ્ઞાની ભગવંતે કહ્યું.