________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩
૨૦૫ તે સર્વ દુઃખોમાંથી મુક્ત થવાય છે.” નવકારમંત્રના જાપથી રાક્ષસનો ઉપદ્રવ કેવી રીતે શમી ગયો તે સંબંધમાં આ પ્રમાણે કથા છે.
જિનદાસ શેઠની કથા ક્ષિતિપ્રતિષ્ઠ નામનું નગર. બળ નામે તેનો રાજા. એક વખત ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવ્યાં. લોકો પૂર જોવા ગયાં. એક જણની નજરમાં નદીની મધ્યમાં ઉછળતું એક બીજોરું જોવામાં આવ્યું. જોનાર નગરજન સાહસિક હતો. તે તરત જ પૂરથી ગાંડી બનેલી નદીમાં કૂદી પડ્યો. તે કુશળ તરવૈયો હતો. પૂરમાં સફળતાથી તરીને તે ફળ લઈ આવ્યો. એ ફળ તેણે રાજાને ભેટ આપ્યું. ફળ સુગંધી અને સ્વાદિષ્ટ હતું. રાજાની દાઢે તેનો સ્વાદ રહી ગયો. રાજાએ તેને પૂછ્યું: “ભદ્ર! આવું સુંદર ફળ તું ક્યાંથી લાવ્યો?” નગરજને સત્ય હકીકત કહી. રાજાએ તેને આદેશ કર્યો. “તો તું ફરીથી એ નદીમાં જા અને મારા માટે આવા બીજા ફળ લઈ આવ.”
પેલો નગરજન જેવો નદીમાં કૂદવા ગયો કે તુરત જ ત્યાંના લોકોએ કહ્યું: “ભાઈ ! તું એવું સાહસ ન કર. એ ફળ મેળવવાની ઈચ્છા તું મૂકી દે. અહીં આવી જે કોઈ વ્યક્તિ તેમાંથી ફળ કે ફૂલ લેવા જાય છે તેનું તત્કાળ મૃત્યુ થાય છે.”
નગરજન પાછો ફરીને રાજા પાસે ગયો. જે બન્યું તે કહી સંભળાવ્યું. એ જાણી રાજાની દાઢ તો વધુ વકરી. ફળ ખાવાની ઈચ્છા મૂકી દેવાને બદલે તેણે આદેશ કર્યો. કોટવાલ ! નગરમાં જઈ પ્રજાજનોના નામની ચીઠ્ઠી લખી એ બધી ચિઠ્ઠીઓ એક ઘડામાં નાંખ. કોઈ કુમારી પાસે તેમાંથી એક એક ચીઠ્ઠી ઉપડાવ, જેનાં નામની ચીઠ્ઠી નીકળે તેને એ ફળ લેવા મોકલ.
રાજા, વાજા ને વાંદરાં ત્રણે સરખાં. રાજાએ પ્રજાજન મરી જાય તેની પરવા ન કરી. ફળ લેવા જતાં રોજ એકનું મરણ થવા લાગ્યું. રાજાને ફળ તો મળતું પરંતુ તેને રોજ એક માણસ ગુમાવવો પડતો.
એક દિવસ જિનદાસ શ્રાવકના નામની ચીઠ્ઠી નીકળી. જિનદાસ ધર્મિષ્ઠ હતો. તેના હૈયે સમ્યક ધર્મ વસેલો હતો. સંભવિત મૃત્યુથી તે ડર્યો નહિ. માથું પછાડ્યું નહિ. હસતાં-હસતાં તેણે આગલી રાતે બધાને ભેગા કરીને ખમાવ્યાં. વહેલી સવારે નાહી-ધોઈને ઘરના દેવાલયમાં ઉમંગથી જિનપૂજા કરી. ફરીવાર સૌને ખમાવીને અને અનશન વ્રત અંગીકાર કરી તે નદી તરફ ગયો.
નદીમાં ઝંપલાવતાં પહેલા તેણે મોટા સ્વરે ભક્તિભાવથી નવકારમંત્રનું સ્મરણ કર્યું. ભાવવંદના કરી. નવકારમંત્રના અક્ષરો સાંભળતાં જ નદીના અધિષ્ઠાયક વ્યંતરદેવના કાન સળવળ્યાં. “અરે ! આવું કંઈક મેં પૂર્વે સાંભળ્યું છે.” તેણે ફરીથી ધ્યાન દઈને સાંભળ્યું. “અરે ! આ તો નવકારમંત્રનો જાપ કરે છે! આ જાપ તો મેં પણ કર્યો હતો.” એમ વિચારતા તેણે પોતાનો પૂર્વભવ જોયો. પસ્તાયો. પૂર્વભવમાં મેં દીક્ષા લીધી હતી. પણ તેનું બરાબર આરાધન ન કરી શક્યો. આથી આજ હું વ્યંતરદેવ થયો છું. અરેરે ! હું વૃથા માનવભવ હારી ગયો.”