________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૨૧૭
ઈન્દ્રનો ભદ્રસેન નામે સેનાપતિ છે. ઉત્તરના નવ ઈન્દ્રનો દક્ષ નામે સેનાપતિ છે. તેમના વિમાન અને ધ્વજ ચમરેન્દ્રથી અર્ધ પ્રમાણવાળા હોય છે. તથા નાગકુમારદિ નવે નિકાયમાં ઘંટા, મેઘસ્વરા, હંસસ્વરા, ક્રૌંચસ્વરા, મંજુસ્વરા, મંજુઘોષા, સુસ્વરા, મધુસ્વરા, નંદિસ્વરા અને નંદિઘોષા અનુક્રમે છે.
દક્ષિણ બાજુના વ્યંતરેન્દ્રોની ઘંટાનું નામ મંજુસ્વરા છે. ઉત્તર બાજુના ઈન્દ્રોની ઘંટા મંજુઘોષા છે. તેમનાં વિમાન એક હજાર યોજન વિસ્તારવાળા અને ધ્વજ એકસો પચ્ચીસ યોજન ઊંચા હોય છે. જ્યોતિષીમાં ચંદ્રની ઘંટા સુસ્વરા અને સૂર્યની સુસ્વરનિઘોષા ઘંટા છે. વિમાન અને ધ્વજ વ્યંતરેન્દ્ર પ્રમાણે હોય છે. ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્કના ઈન્દ્રો પાસે વિમાન રચનાર કોઈ દેવતા નથી હોતાં. આભિયોગિક દેવતા તેમના વિમાન રચે છે.
આમ ઈન્દ્રોની ઓળખ કરી, હવે તે ઈન્દ્રો જન્મોત્સવ કેવી રીતે ઉજવે છે તે જોઈએ. સૌધર્મ ઈન્દ્ર પ્રભુને પોતાના ખોળામાં લઈને બેસે ત્યાર પછી અચ્યુત ઈન્દ્ર પોતાના આભિયોગિક દેવતાઓને તીર્થંકર પરમાત્માને ગૌરવ આપે તેવી તૈયારી કરવાનો આદેશ આપે. એ આદેશ મળતાં જ દેવતાઓ સુવર્ણના, રૂપાના, રત્નના, સુવર્ણરત્નના, રૂપારત્નના, સુવર્ણ-રૂપા રત્નના તેમજ મૃત્તિકાના દરેકના એક હજાર ને આઠ કળશ વિધુર્વે. તે સાથે જ પંખા, ચામર, તેલના ડાબડા, પુષ્પગંગેરી તથા દર્પણ વગેરે પણ દરેકની એક હજાર ને આઠની રચના કરે. એ બાદ આભિયોગિક દેવતા તે કુંભ વગેરે લઈને ક્ષીરસાગર અને ગંગાદિ તીર્થના જળ અને કમળ લઈ આવે.
શ્રી જંબૂઢીપ પ્રજ્ઞપ્તિસૂત્રમાં આ અંગે ઉલ્લેખ છે કે “ક્ષીરસાગરમાંથી ક્ષીરોદક ગ્રહણ કરે. ત્યાં ઉત્પન્ન થયેલ સહસ્રદળ કમળ લે તે લઈને પુષ્કરોદધિમાંથી અને યાવત્ ભરત-ઐરવતના મુખ્ય તીર્થોમાંથી જળ અને મૃત્તિકા ગ્રહણ કરે.” પછી તે દેવતાઓ નંદનવન વગેરેમાંથી ગોશીર્ષચંદન વગેરે લઈને તે બધું અચ્યુત ઈન્દ્રને આપે ત્યારે આ ઈન્દ્ર પ્રભુને જળ-પુષ્પાદિકથી અભિષેક કરે.
તે સમયે ઈશાન ઈન્દ્ર વગેરે ઈન્દ્રો ઉભા રહીને પ્રભુની સ્તુતિ કરે. કેટલાક દેવતા ગીત ગાય, કેટલાક દેવતા નૃત્ય કરે અને કેટલાક દેવતા અશ્વ તથા ગજેન્દ્રના જેવી ગર્જના કરે અને કેટલાક અભિષેક કર્યા બાદ અચ્યુત ઈન્દ્ર ગંધ કાષાયિક વસ્ર વડે પ્રભુનું અંગ લુંછે. અંગ સુંઠ્યા બાદ પ્રભુને અલંકારોથી શણગારે અને તેમની સામે સોનાના પાટલા ઉપર રૂપ્યમય ચોખાથી અષ્ટમંગળ કરે. એ બાદ બત્રીશ પ્રકારનું નાટક કરી પ્રભુની સમીપે પુષ્પનો પ્રકર ધરી, ધૂપ કરે અને એકસો આઠ કાવ્યથી પ્રભુની સ્તુતિ કરે. શ્રી જંબૂતીપપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે “પ્રભુને ધૂપ કરી સાત-આઠ પગલાં પાછા ઓસરીને દસ આંગળીના નખ ભેગા થાય તેમ અંજલિ જોડીને મસ્તકે પ્રણામ કરે પછી અપુનરુક્ત એવા ૧૦૮ વિશુદ્ધ શ્લોકથી સ્તુતિ કરે. યાવત્ કહે કે – “હે સિદ્ધ, બુદ્ધ, નિષ્કર્મ, તપસ્વી, રાગદ્વેષથી રહિત, નિર્મમ, ધર્મચક્રવર્તી એવા હે પ્રભુ ! તમને નમસ્કાર હો !' આમ અંતરના ઉલ્લાસથી સ્તુતિ કરી વિનયપૂર્વક પ્રભુની આગળ ઊભા રહે.