________________
૨૫૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ થઈ. ઝઘડો થયો. કોઈ પોતાના રથને પાછો વાળવા તૈયાર ન હતું. વાત વણસી. રાજાએ છેવટે તોડ કાઢી બંને રથને પાછા વાળ્યાં.
મહાપદ્મને આમાં પોતાની માનું અપમાન લાગ્યું. તેને ઘણું જ દુઃખ થયું. આથી તે પરદેશ ચાલ્યો ગયો. વરસો બાદ ખૂબ જ સમૃદ્ધિ સાથે તે હસ્તિનાપુર પાછો આવ્યો. પિતાએ તેનું ધામધુમથી સ્વાગત કર્યું અને બત્રીસ હજાર રાજાઓએ બાર વરસ સુધી મહાપદ્મના રાજ્યાભિષેકનો ઉત્સવ ઉજવ્યો.
ત્યારબાદ પક્વોત્તર રાજાએ મોટા પુત્ર સાથે સુવ્રતાચાર્ય પાસે દીક્ષા લીધી. સંયમ તપની ઉત્કટ આરાધના કરી તે સ્વર્ગે ગયાં. વિષ્ણુકુમાર મુનિએ છ હજાર વરસ સુધી ઉગ્ર તપસ્યા કરી. તેના પુણ્યબળથી તેમને વૈક્રિયાદિક અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ.
મહાપદ્મ એ બાદ માતાના અપમાનને ધોઈ નાંખવા સમગ્ર પૃથ્વી પર ઠેકઠેકાણે જિનચૈત્યો બંધાવ્યાં. એ સમયમાં સુવ્રતાચાર્ય પોતાના શિષ્ય પરિવાર સાથે હસ્તિનાપુરમાં ચાતુર્માસ માટે રહ્યાં. નમુચિને પોતાનું જૂનું વૈર યાદ આવ્યું. શિષ્યના હાથે થયેલ પરાજયનો બદલો લેવા તેનું આસુરી મન ચંચળ બન્યું અને તેણે આ તબક્કે મહાપદ્મ પાસે પેલું બાકીનું વરદાન માંગ્યું. નમુચિએ કહ્યું- “હે રાજેન્દ્ર ! કારતક સુદ પૂનમ સુધી મને તમે છ ખંડનું રાજ્ય આપો.”
મહાપદ્મ તુરત જ નમુચિની માગણી સ્વીકારી લીધી. પડહ વગડાવી નમુચિ હવેથી છ માસ માટે રાજ્ય કરશે, તેવી સૌને જાણ કરી. પણ નમુચિને રાજયની સત્તામાં રસ ન હતો. તેને રાજા થવાની ઈચ્છા ન હતી. સત્તાના સૂત્રથી, સત્તાની તાકાતથી તે વૈર લેવા માગતો હતો.
થોડો સમય તેણે જવા દીધો. ચાતુર્માસ શરૂ થઈ ગયું. આચાર્ય સુવ્રતાચાર્ય પોતાના શિષ્ય પરિવાર સાથે વર્ષાવાસ રહ્યાં. નમુચિએ હવે પોતાનો દાવ અજમાવ્યો. તેણે હજારો જીવોની હિંસા થાય તેવો મહાયજ્ઞ કરાવ્યો. આ યજ્ઞમાં ભાગ લેવા દેશ-વિદેશમાંથી બ્રાહ્મણોને તેડાવ્યાં. હસ્તિનાપુરના બ્રાહ્મણોને તો આ યજ્ઞથી લીલાલહેર થઈ ગઈ. બ્રાહ્મણોએ નમુચિની ભારોભાર પ્રશંસા કરી. તેની ધર્મભાવનાની પ્રશસ્તિ ગાઈ.
આ યજ્ઞમાં પ્રજાજનો પણ જોડાયાં. સૌએ નમુચિને પ્રણામ કરી તેની વાહ વાહ કરી. પરંતુ એક પણ સાધુ આ યજ્ઞના દર્શને ન આવ્યાં. આથી નમુચિએ આચાર્યશ્રી સુવતાચાર્યને રાજયસભામાં બોલાવ્યાં. એ આવતાં જ તેણે નોકરને ધમકાવતા હોય તેવા તુમાખી અવાજે કહ્યું:
કેમ, મગજમાં બહુ રાઈ ભરી છે કે શું? છ ખંડના રાજાઓ, પ્રધાનો, બ્રાહ્મણો અને પ્રજાજનો મારા આ ધર્મયજ્ઞની પ્રશંસા કરે છે અને પ્રશસ્તિ ગાય છે. તમે કેમ હજી સુધી એક અક્ષર પણ નથી બોલતા? મારી પ્રશંસા કરતા શું તમારું નાક કપાઈ જાય છે?”
આચાર્યશ્રીએ શાંત સ્વરે કહ્યું: “રાજ ! ધર્મકાર્ય માટે તો અમારું જીવન છે. ધર્મની અમે