________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૨૫૯
પ્રશંસા ન કરીએ એવું બને જ કેમ ? પરંતુ રાજન્ ! તમે જેને ધર્મયજ્ઞ કહો છો તે અધર્મયજ્ઞ છે. અમે અહિંસાના ગાયક છીએ. હિંસાની સ્તુતિ, હિંસાની પ્રશસ્તિ અમારાથી કદી ન થઈ શકે.”
નમુચિએ તરત જ ફરમાન કાઢ્યું : “તો મારી ધરતી પર તમારા જેવા સાધુઓની કોઈ જરૂર નથી. હું તમને સાત દિવસનો સમય આપું છું. આ સમયમાં તમે મારી ધરતી છોડીને ગમે ત્યાં ચાલ્યા જાવ. નહિ તો હું તમારા સૌની હત્યા કરાવી નાંખીશ એ પછી મને દોષ ન આપશો.”
નમુચિના આ ફરમાનથી છએ ખંડમાં હાહાકાર મચી ગયો. ચાતુર્માસના દિવસોમાં વિહાર થઈ શકે નહિ. સાત દિવસમાં છ ખંડની ધરતીની બહાર જઈ શકાય નહિ તો શું નમુચિ બધા જ જૈન સાધુઓની હત્યા કરી નાંખશે ? સૌના હૈયે આ ચિંતા કોરી ખાવા લાગી.
આચાર્યશ્રી અને તેમનો શિષ્ય પરિવાર ભેગો થયો. સૌ આમાંથી રસ્તો કાઢવાનો વિચાર કરવા લાગ્યાં. આચાર્યશ્રી સુવ્રતાચાર્યે કહ્યું : વિષ્ણુકુમાર મુનિને આ વાત કહીએ તો તે એક આપણને આ ધર્મસંકટમાંથી ઉગારી શકે તેમ છે, પરંતુ તેમની પાસે જવું શી રીતે ? તે તો મેરુપર્વત પર રહે છે.”
આ સાંભળી એક શિષ્ય વિનયથી કહ્યું : “ગુરુદેવ ! હું મેરુપર્વત ૫૨ જઈશ. મુનિશ્રીને બધી વાત સમજાવીશ અને તેમને અહીં તેડી લાવીશ.”
આ શિષ્યને ગગનગામિની લબ્ધિ સિદ્ધ થઈ હતી. આચાર્યશ્રીની આજ્ઞાથી તે તુરત જ મેરૂપર્વત પર ગયો. વિષ્ણુકુમાર મુનિને વંદના કરી. ચાતુર્માસમાં સાધુને પોતાની પાસે આવેલો જોઈ તેમણે આશ્ચર્ય અને ચિંતાથી આવવાનું કારણ પૂછ્યું. શિષ્યે અથથી ઈતિ સુધી બધી હકીકત કહી. વિષ્ણુકુમાર મુનિ શિષ્ય સાથે તુરત જ લબ્ધિથી હસ્તિનાપુર આવ્યાં.
એ જ દિવસે તે આચાર્યશ્રી અને અન્ય શિષ્યો સાથે નમુચિની રાજ્યસભામાં ગયાં. પોતાના એક વખતના રાજાને સભામાં આવેલા જોઈ નમુચિ સિવાય સૌએ તેમને વંદના કરી. મુનિશ્રીએ સૌને ધર્મલાભ આપ્યા પછી તેમણે નમુચિને કહ્યું : “નમુચિ ! તારા ફરમાનની વાત જાણી. એ ફરમાન તું પાછું ખેંચી લે એમ કહેવા હું તને નથી આવ્યો. તું જાણે છે કે જૈન સાધુઓ ચાતુર્માસમાં વિહાર નથી કરતાં. આથી તું તેમને રહેવા માટે થોડીક પૃથ્વી આપ.”
નમુચિએ ઠંડા કલેજે કહ્યું : “મુનિશ્રી ! આપ પોતે પધાર્યા છો અને મને વિનંતી કરો છો એટલે તેનો હું સ્વીકાર કરું છું. સાધુઓને રહેવા માટે ત્રણ ડગલાં પૃથ્વી આપું છું એ ત્રણ ડગલાની ભૂમિમાં ભલે સાધુઓ રહે.’
માત્ર ત્રણ જ ડગલાં ? એમાં તો માંડ એક પગ પણ ન રાખી શકાય તો સેંકડો સાધુઓ તો શી રીતે રહી શકે ? સભામાં એક ગણગણાટ શરૂ થઈ ગયો.
નમુચિની આ ધૃષ્ટતાથી વિષ્ણુકુમાર મુનિના રોમેરોમમાં ગુસ્સો સળગી ઉઠ્યો. સમસ્ત