________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩
૨૩૯ નામે પાંચ જાતના મેઘ જુદા જુદા સાત દિવસ મન મૂકીને વરસે છે. તેથી ધરતી લીલીછમ બની જાય છે. તેમાં સર્વ પ્રકારના ધાન્યાદિ ઉગે છે. ઉત્સર્પિણીના આરંભથી માનવદેહ અને આયુ વધતા વધતા પહેલા આરાના પ્રાંત દેહ બે હાથનો અને આયુષ્ય વીશ વરસનું થાય છે.
આમ એકવીસ હજાર વર્ષનો પહેલો દુષમ નામનો આરો પૂરો થતા બીજા આરાનો આરંભ થાય છે. આ બીજા આરાના પ્રારંભમાં મનુષ્યનાં શરીર બે હાથના અને આયુષ્ય વિશ વર્ષનું હોય છે. શરીરનું આ પ્રમાણ આયુષ્ય ધીમે ધીમે વધતાં બીજા આરાના પ્રાંત ભાગે માણસના શરીર સાત હાથ પ્રમાણ અને આયુષ્ય એકસો વીશ વરસનું થાય છે. બીજા આરામાં જાતિસ્મરણ જ્ઞાનથી નગર વસાવવા વગેરે સર્વ મર્યાદાના કરનારા સાત કુલકરો થાય છે.
એકવીસ હજાર વર્ષનો બીજો દુષમ આરો પૂર્ણ થતાં ત્રીજા આરાનો આરંભ થાય છે. ત્રીજા આરાના સાડા ચુંમાલીસ મહિના પસાર થાય પછી પહેલા તીર્થકર જન્મે છે. તેમનું આયુષ્ય બોંતેર વરસનું હોય છે અને શરીરનું પ્રમાણ સાત હાથનું. ભગવાન મહાવીરસ્વામીની જેમ જ આ તીર્થંકર પણ સર્વપ્રકારે રૂપાતિશયવંત અને કાંતિમાન હોય છે. આ જિનેશ્વરના નિર્વાણ બાદ બીજા તીર્થકર નવ હાથના શરીરવાળા, નીલ વૈડૂર્યમણિ જેવા શરીરના વર્ણવાળા અને સો વરસના આયુષ્ય ધરાવનારા થાય છે. તે પ્રભુ પહેલા તીર્થંકરની ઉત્પત્તિના સમયથી બસો ને પચાસ વર્ષ જતાં જાણે શાંતરસની મૂર્તિ હોય તેવા હોય છે. તે પ્રભુ પણ વારાણસી નગરીમાં પાર્થ પ્રભુએ તીર્થ પ્રર્વતાવ્યું હતું એમ તીર્થ પ્રવર્તાવી અનુક્રમે મોક્ષે જાય છે.
કેટલોક સમય વીત્યા બાદ કાંડિલ્ય નગરમાં પ્રથમ ચક્રવર્તી થાય છે. તેમનું શરીર સાત હાથનું અને આયુષ્ય સાતસો વરસનું હોય છે. સુવર્ણ જેવા તે કાંતિવાન હોય છે. તે ભરતખંડના છ ક્ષેત્રને જીતીને ચૌદ રત્નોના સ્વામી થાય છે. પચ્ચીસ હજાર યક્ષો તેમની સેવા કરે છે. એક લાખ અને અઠ્ઠાવીસ હજાર વારાંગનાઓ તેમને આનંદ આપે છે. આ ચક્રવર્તી છ—કોટિ ગામના અધિપતિ હોય છે. તેમના મરણ પછી બીજા તીર્થકરના જન્મથી ત્યાંશી હજાર ને સાડા સાતસો વરસે શૌર્યપુરમાં ત્રીજા તીર્થકર ઉત્પન્ન થાય છે.
ત્રીજા તીર્થંકરનું આયુષ્ય એક હજાર વરસનું હોય છે. દશ ધનુષ્યની કાયા અને શ્યામ કાંતિ હોય છે. આ સમયમાં પ્રથમ વાસુદેવ થાય છે. તે ચક્રથી વૈતાઢ્યગિરિ સુધીની ત્રિખંડ પૃથ્વીને જીતે છે. તે અર્ધચક્રી પ્રતિ-વાસુદેવના ચક્રથી જ તેનો વધ કરે છે. સોળ હજાર મુગુટધારી રાજાઓ તેની આજ્ઞા પાળે છે. પ્રથમ વાસુદેવ ગર્ભમાં આવે છે ત્યારે તેમની માતા સાત સ્વપ્ન જુવે છે. આ વાસુદેવ ચક્ર વગેરે સાત રત્નોના અધિપતિ એક હજાર વરસના આયુષ્યવાળા, પીતાંબરધારી, ધ્વજમાં ગરુડના ચિહ્નવાળા, શ્યામમૂર્તિ અને દસ ધનુષ્યની કાયાવાળા હોય છે. તેના જયેષ્ઠ બંધુ બલદેવ હોય છે. તે ઉજ્વળવર્ણ કાયાવાળા હોય છે. ગર્ભમાં આવે છે ત્યારે તેમની માતા ચાર સ્વપ્ન જુવે છે. બલદેવ નીલ વસ્ત્રધારી, ધ્વજમાં તાલવૃક્ષના ચિહ્નવાળા, હળ-મુશળાદિ શસ્ત્રને ધારણ કરનારા, બારસો વરસના આયુષ્યવાળા અને મૃત્યુ પામી સ્વર્ગે કે મોક્ષે જનારા હોય છે.