________________
૨૪૭
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
સ્વપ્ને તેં ચંદ્રમા છિદ્ર જોયાં. એ સૂચવે છે કે ધર્મમાં હવે ઘણાં મતો થશે. એક ધર્મના અનેક ભાગ થશે, ચોથે સ્વપ્ન તેં ભૂત નાચતા જોયાં. તે સૂચવે છે કે મિથ્યાત્વી અને કુમતિ લોકો ભૂતની જેમ નાચશે. પાંચમે સ્વપ્ન તેં બાર ફણાવાળો સર્પ જોયો. એ બતાવે છે કે બાર વરસનો ભીષણ દુકાળ પડશે, કાલિકસૂત્ર વગેરેનો ઉચ્છેદ થશે, સાધુઓ દેવદ્રવ્ય ભક્ષી થશે, લોભથી માળાનું આરોપણ, ઉપધાન, ઉજમણાં પ્રમુખ તપ ઘણાં થશે અને જે ખરા ધર્મના અર્થી, સાધુ હશે તે વિધિમાર્ગને પ્રરૂપશે. છઢે સ્વપ્ન તેં આવતું વિમાન ચલિત થતું જોયું. તેનું ફળ એ છે કે ચારણ લબ્ધિવંત સાધુઓ ભરત ઐરવત ક્ષેત્રમાં આવશે નહિ. સાતમે સ્વપ્ન તેં કમળને ઉકરડા પર ઉગેલું જોયું. તે સૂચવે છે કે ચાર વર્ણમાં ધર્મ વૈશ્યના હાથોમાં રહેશે, આ વાણિયાઓ અનેક માર્ગે ચાલશે, તેમાં સિદ્ધાંતપ્રિય ઘણા જ ઓછા હશે, આઠમા સ્વપ્ને આગિયાને ઉદ્યોત કરતો જોયો. તે બતાવે છે કે જૈનમાર્ગ મૂકી બીજા માર્ગ ખજુવાની જેમ પ્રકાશશે અને શ્રમણ-નિગ્રંથનો પ્રજા-સત્કાર ઓછો થશે, નવમે સ્વપ્ન તેં મોટું સરોવર સૂકાયેલું જોયું તેનું ફળ એ છે કે જ્યાં જ્યાં પ્રભુના પાંચ કલ્યાણક થયાં છે. ત્યાં પ્રાયઃ ધર્મની હાનિ થશે અને દક્ષિણ દિશામાં જૈનધર્મનો પ્રચાર થશે, દશમા સ્વપ્ને સુવર્ણના થાળમાં શ્વાનને દૂધ પીતો જોયો તે સૂચવે છે કે ઉત્તમ કુળની સંપત્તિ મધ્યમના ઘરે જશે અને કુળાચાર ધર્મ તજી દઈ ઉત્તમ લોકો અધર્મ આચરશે. અગિયારમા સ્વપ્ને હાથી ઉપર બેઠેલો વાંદરો જોયો તે બતાવે છે કે પારધી વગેરે અધમ લોકો સુખી થશે અને સજ્જનો દુઃખી થશે. આ ઉપરાંત ઈક્ષ્વાકુ તથા હરિવંશ કુળમાં રાજ્ય રહેશે નહિ. બારમા સ્વપ્ને સમુદ્રને મર્યાદા ઓળંગતો જોયો. જેથી રાજા ઉન્માર્ગચારી થશે અને ક્ષત્રિયો વિશ્વાસઘાતી થશે. તેરમે સ્વપ્ને મોટા ૨થમાં નાના નાના વાછરડા જોતરેલા જોયાં. તેનું ફળ એ છે કે પ્રાયે વૈરાગ્યભાવે કોઈ સંયમ લેશે નહિ, વૃદ્ધ દીક્ષા લેશે તે મહાપ્રમાદી બનશે. અને ગુરુકુળવાસને ત્યજી દેશે અને જે બાળભાવે સંયમ લેશે તે લજ્જાથી ગુરુકુળવાસ છોડશે નહિ. ચૌદમે સ્વપ્ને મહાકિંમતી રત્નને તેજહીન જોયું તે સૂચવે છે કે ભરત તથા ઐરવત ક્ષેત્રમાં સાધુઓ ફ્લેશ કરનારા, ઉપદ્રવી, અસમાધિ ઉપજાવનારા, અવિનયી અને ધર્મ પર અત્યંત સ્નેહવાળા થશે. પંદરમે સ્વપ્ને રાજકુમારને પોઠિયા ૫૨ બેસેલો જોયો તે બતાવે છે કે રાજકુમારો રાજ્યભ્રષ્ટ થશે અને હલકા કાર્યો કરશે. સોળમે સ્વપ્ને બે કાળા હાથીને લડતા દીઠાં. તેનું ફળ એ છે કે આગામી કાળમાં પુત્રો અને શિષ્યો અલ્પ બુદ્ધિવાળા, અવિનયી, ઉદ્ધત અને ઝઘડાખોર થશે. હે રાજન્ ! તેં જોયેલા સોળ સ્વપ્નનું ફલ આ પ્રમાણે છે.’’ શ્રી જિનેશ્વર ભગવંતના વચન અન્યથા થતા નથી. તેમણે કહ્યું છે કે “આ દુષમ આરો લોકોને મહાદુ:ખદાયક થશે.’’
સ્વપ્નનું ફળ સાંભળી ચંદ્રગુપ્ત રાજાએ સંયમ લીધો અને આરાધના કરી દેવલોક ગયો. આ આરાનું ભાવિ સ્વરૂપ કલ્કીના સંબંધીથી પણ જાણવા મળે છે તે આ પ્રમાણે -
શ્રી વીરપ્રભુના નિર્વાણ પછી ચારસો ને સિત્તેર વરસે વિક્રમ રાજાનો સંવત્સર થયો ને પછી ઓગણીસસો ને ચૌદ વરસે પાટલીપુત્ર નગરમાં મ્લેચ્છ કુળમાં યશા નામની ચાંડાલિનીની કુક્ષીએ તે૨ માસ રહીને ચૈત્ર સુદી આઠમે કલ્કીનો જન્મ થશે.