________________
૨૪૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૩ ચોરાસી લાખ પૂર્વનું હોય છે. તેમના સમયમાં બારમા ચક્રવર્તી થાય છે. જિનેશ્વર ભગવંતના શરીર અને આયુષ્ય જેટલાં જ આ ચક્રવર્તીના આયુષ્ય અને શરીર હોય છે.
આ ભગવંત નિર્વાણ પામ્યા બાદ તેમની પટ્ટ પરંપરાએ શ્રી જિનવચનના તત્ત્વને જાણનારા શ્રી યુગપ્રધાન મુનિ પતિ ઘણા સમય સુધી આ ભરતખંડને પવિત્ર કરશે. પછી ધીમે ધીમે સુખનો સમય વૃદ્ધિ પામતાં યુગલિયા મનુષ્ય ઉત્પન્ન થવાનો સમય નજીક આવશે. તેમાં અતિ સુખથી પ્રથમ સાધુ સંતતિનો ઉચ્છેદ થશે અને છેવટે તીર્થનો પણ નાશ થશે. યુગલિયા મનુષ્યના સમયમાં અગ્નિનો પણ અભાવ હોય છે. તે સાથે સ્વામી, સેવક, વર્ણ, વ્યાપાર અને નગરાદિકની વ્યવસ્થા પણ ઉચ્છેદ પામે છે.
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં ચોથા આશ્રદ્વારમાં યુગલિયાનું સ્વરૂપ આ પ્રમાણે વર્ણવ્યું છે. “તે કાળમાં ભોગસુખ ઘણું હોવા છતાં અને તે ઘણું ભોગવ્યા છતાં પણ યુગલિયા જીવો તૃપ્તિ પામ્યા વિના જ કાળનો કોળિયો થઈ જાય છે.”
દેવકુરુ તથા ઉત્તરકુરુ ક્ષેત્રના યુગલિયા સંબંધી લખ્યું છે કે : “દેવકુરુ તથા ઉત્તરકુરુ ક્ષેત્રમાં યુગલિયા વનમાં વિચરે છે, પગે ચાલે છે, તેઓ ભોગમાં શ્રેષ્ઠ હોય છે. ભોગના લક્ષણને ધરનારા હોય છે, તેમના રૂપ વર્ણન કરવા યોગ્ય અને ચંદ્રની જેમ જોવા યોગ્ય હોય છે, તેઓ સર્વ અંગે સુંદર હોય છે.”
આ યુગલિયા (સ્ત્રીઓ અને પુરુષો) આદ્ય સંહનન તથા આદ્ય સંસ્થાનવાળા હોય છે. તેમના અંગોપાંગ રૂપાળા હોય છે. તેમના શ્વાસમાં કમળ જેવી સુગંધ હોય છે. તેમના ગુહ્ય ભાગ ઉત્તમ અશ્વના ગુહ્યાંગની જેમ ગુપ્ત હોય છે. તેમના ક્રોધાદિક કષાય પાતળા હોય છે. મણિ મૌક્તિકાદિક પદાર્થો તથા હાથી, ઘોડા વગેરેના અપાર ઉપભોગના સાધન હોવા છતાં તેઓ તેનાથી પરાઠુખ હોય છે. રોગ ગ્રહ, ભૂત, મારી અને વ્યસનથી દૂર હોય છે. તેમનામાં સ્વામિસેવકભાવ ન હોવાથી તેઓ બધા અહમિંદ્ર હોય છે. તે ક્ષેત્રમાં વાવ્યા સિવાય સ્વભાવે જ જતિવંત ધાન્ય પુષ્કળ થાય છે, પણ તે તેમના ભોગમાં આવતા નથી. તે ક્ષેત્રમાં પૃથ્વી સાકરથી પણ અનંતગણી માધુર્યવાળી હોય છે. તેઓ કલ્પવૃક્ષના પુષ્પફળનું આસ્વાદન કરે છે. આ ફળ ચક્રવર્તીના ભોજનથી પણ અત્યંત સ્વાદુ અને મધુર હોય છે.
કલ્પવૃક્ષથી તેમને ખાન-પાન વગેરે દસ વાના પ્રાપ્ત થાય છે. તેની નીચે જ તેઓ રહે છે. ત્યાં ડાંસ, મચ્છર, માખી, માંકડ વગેરેનો ઉપદ્રવ થતો નથી. વાઘ, સિંહાદિ હિંસક પશુઓ ત્યાં હિંસ્ય-હિંસક ભાવે વર્તતા નથી. તે ક્ષેત્રમાં ઘોડા, હાથી વગેરે. ચોપગાં પ્રાણી ઘો વગેરે. ભુજપરિસર્પ, સર્પ વગેરે. ઉરપરિસર્પ તથા ચકોર, હંસ વગેરે પક્ષીઓ. બધા યુગલિયા રૂપે જ થાય છે. આ બધા યુગલિયાઓ મરણ પામીને પોતાના આયુષ્ય જેટલા આયુષ્યવાળા અથવા ઓછા આયુષ્યવાળા દેવતા થાય છે. અધિક આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન નથી થતાં.