________________
૨૪૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ સાઠ લાખ વર્ષનું હોય છે. એ સમયે સાતમા બલદેવાદિ ચાર પુરુષો ઉત્પન્ન થાય છે. સાતમા અર્ધચક્રીનું શરીર અને આયુષ્ય તેમના સમયના તીર્થંકરના શરીર અને આયુષ્ય જેટલા હોય છે. બલદેવનું આયુષ્ય પાંસઠ લાખ વરસનું હોય છે.
બારમા તીર્થંકરના જન્મથી ત્રીસ સાગરોપમ ગયા બાદ ચંપાનગરીમાં તેરમા તીર્થંકરનો જન્મ થાય છે. તેમનું શરીર સિત્તેર ધનુષ્યનું અને આયુષ્ય બોંતેર લાખ વરસનું હોય છે. દેહનો વર્ણ સુવર્ણ જેવો હોય છે. તેમના સમયમાં બલદેવાદિ ચાર પુરુષોનો જન્મ થાય છે. બલદેવનું આયુષ્ય પંચોતેર લાખ વરસનું હોય છે.
તેરમા તીર્થંકરના જન્મથી ચોપન સાગરોપમ જેટલો સમય વ્યતીત થતાં સિંહપુરમાં ચૌદમા તીર્થંકરનો જન્મ થાય છે. સુવર્ણ જેવી તેમની કાંતિ હોય છે. તેમનું આયુષ્ય ચોરાશી લાખ વરસનું હોય છે અને શરીર એંશી ધનુષ્યનું હોય છે. તેમના સમયમાં નવમા બલદેવાદિ ચાર ઉત્તમ પુરુષો થાય છે. અર્ધચક્રીના શરીર તથા આયુષ્ય તેમના સમયના તીર્થકરના જેટલા હોય છે. જ્યારે બલદેવનું આયુષ્ય પંચાશી લાખ વરસનું હોય છે.
ચૌદમા તીર્થંકરના જન્મથી છાસઠ લાખ ને છવ્વીશ હજાર વર્ષથી અધિક એવા સો સાગરોપમને ન્યૂન એક કોટી સાગરોપમનો કાળ વીત્યા બાદ ભદિલપુરમાં પંદરમા તીર્થંકરનો જન્મ થાય છે. તેમનું આયુષ્ય એક લાખ પૂર્વનું અને શરીર નેવું ધનુષ્યનું હોય છે. શરીરની કાંતિ સુવર્ણ જેવી હોય છે.
તેમના નિર્વાણ બાદ નવ કોટી સાગરોપમ સમય વીત્યા બાદ કાકંદીનગરીમાં સોળમા તીર્થંકરનો જન્મ થાય છે, તેમના શરીરનો વર્ણ ચંદ્ર જેવો હોય છે. કાયા સો ધનુષ્યની હોય છે અને આયુષ્ય બે લાખ પૂર્વનું હોય છે.
સોળમા તીર્થંકરના નિર્વાણ બાદ તેમના જન્મથી નેવું કરોડ સાગરોપમ કાળ જતાં ચંદ્રપુરીમાં સત્તરમા તીર્થંકરનો જન્મ થાય છે. તેમનું આયુષ્ય દશ લાખ પૂર્વનું, શરીર મૂર્તિમાન ચંદ્ર જેવું અને દોઢસો ધનુષ્યનું હોય છે.
તેમના જન્મથી નવસો કોટી સાગરોપમ પ્રમાણ સમય પૂરો થતાં વારાણસીનગરીમાં અઢારમા તીર્થંકરનો જન્મ થાય છે. તે સુવર્ણવર્ણ હોય છે. તેમનું આયુષ્ય વશ લાખ પૂર્વનું અને શરીર બસો ધનુષ્યનું હોય છે.
તેમનાં પછી નવ હજાર ક્રોડ સાગરોપમે કૌશાંબી નગરીમાં ઓગણીશમાં તીર્થકરનો જન્મ થાય છે. તેમનું શરીર અઢીસો ધનુષ્યનું અને આયુષ્ય ત્રીસ લાખ પૂર્વનું હોય છે.
તેમનાં પછી નેવું હજાર ક્રોડ સાગરોપમે કોશલાનગરીમાં વીસમા તીર્થંકરનો જન્મ થાય છે. તે સુવર્ણવર્ણી હોય છે. તેમનું આયુષ્ય ચાલીશ લાખ પૂર્વનું અને શરીર ત્રણસો ધનુષ્યનું હોય છે.