________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૨૧૯ સુવર્ણની વૃષ્ટિ કરે અને શક્રેન્દ્ર ઘોષણા કરાવે કે “જે કોઈ પ્રભુનું કે તેમની માતાનું અહિત ચિંતવશે તેનું મસ્તક આર્મક વૃક્ષની મંજરીની જેમ તૂટી પડશે” એમ ઘોષણા કરાવીને બધા દેવતાઓ નંદીશ્વરદીપ જઈને ત્યાં અષ્ટાહ્નિકા મહોત્સવ કરે.
૨૦૦ શ્રી જિનેશ્વર ભગવંતના છઘથપણાનું વર્ણન जगदुत्कृष्टसौंदर्या, बाल्येऽप्यबालबुद्धयः ।
जितेन्द्रियाः स्थिरात्मानो, यौवनोद्योतिता अपि ॥ “જગતમાં સર્વોત્કૃષ્ટ સૌન્દર્યવાળા અને બાલ્યવયમાં પણ અબાલ બુદ્ધિવાળા પ્રભુ યૌવનવયથી પ્રકાશિત થયા છતાં પણ જિતેન્દ્રિય અને સ્થિર આત્માવાળા હોય છે.” આવા પ્રભુ સંસારના સુખમાં આસક્ત બનતા નથી. કહ્યું છે કે :
“તેઓ બહારથી રાગ દર્શાવે છે પણ અંતરથી પ્રવાળાની જેમ નિર્મળ હોય છે. તેમને કદાચ ચક્રવર્તીનું રાજ્ય મળે તો પણ તેઓ તેમાં લુબ્ધ થતા નથી.”
લોકાંતિક દેવતાઓનું કાર્ય તીર્થંકર પરમાત્મા જ્ઞાનથી પોતાની દીક્ષાનો સમય જાણે છે. છતાંય તે સમયે લોકાંતિક દેવતા તેમની પાસે આવીને નમસ્કાર કરીને ત્રણ લોકના કલ્યાણ માટે ધર્મતીર્થ પ્રવર્તાવવા માટે વિનંતી કરે છે.
વર્ષીદાનનો વિધિ દીક્ષા લેવાના સમયને એક વરસ બાકી હોય ત્યારે શ્રી તીર્થંકર પરમાત્મા વાર્ષિક દાન આપે છે. આ દાન આ પ્રમાણે હોય છે. ભગવાન વર્ષીદાન કરવાનો વિચાર કરે ત્યારે શક્રેન્દ્રનું આસન કંપિત થાય. અવધિજ્ઞાનથી તે ભગવંતની ભાવના જાણે. આથી દીક્ષાના અવસરે ત્રણસો ને અક્યાશી કોટી તથા એસી લાખ સુવર્ણ પ્રભુને પૂરું પાડવાનો નિર્ણય કરે. પછી ધનદની આજ્ઞાથી જૈભક દેવતાઓ તેટલું દ્રવ્ય પ્રભુના ઘરમાં ક્ષેપન કરે. વૃદ્ધ પુરુષો પાસેથી સાંભળ્યું છે કે એંશી રતિનો એક સોનૈયો થાય છે. એ સોનૈયામાં પ્રભુનું અને તેમના પિતાનું નામ હોય છે. એક દિવસના દાનમાં આપેલા સોનૈયાનું વજન નવ હજાર મણ થાય છે. ચાળીસ મણનું એક ગાડું ભરાય. આવા બસો પચ્ચીસ ગાડા ભરીને પ્રભુ રોજનું સુવર્ણદાન કરે. એટલે હંમેશા-રોજનાં એક કરોડ અને આઠ લાખ સુવર્ણનું દાન થાય. વાર્ષિક દાનમાં જોઈએ તેટલા સોનૈયા ઈન્દ્રની આજ્ઞાથી વૈશ્રમણ દેવતા આઠ સમયમાં તૈયાર કરીને તીર્થંકરના ગૃહમાં સ્થાપન કરે.