________________
૨ ૨૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૩ દ્વારથી સમવસરણમાં પ્રવેશ કરીને અરિહંતને પ્રદક્ષિણા કરી અગ્નિખૂણે બેસે છે. ભવનપતિ,
જ્યોતિષી અને વ્યંતરની દેવીઓ એમ ત્રણ પર્ષદા દક્ષિણદ્વારથી પ્રવેશીને નૈઋત્ય ખૂણામાં ઉભી રહે છે. ભવનપતિ, જ્યોતિષી અને વ્યંતરદેવતા પશ્ચિમદ્વારથી પ્રવેશીને વાયવ્ય દિશામાં બેસે છે. વૈમાનિક દેવતા નર અને નારીઓ ઉત્તરદ્વારથી દાખલ થઈ અરિહંત આદિને પ્રણમીને ઈશાન ખૂણામાં બેસે છે. ચાર પ્રકારની દેવીઓ અને સાધ્વીઓ બેઠાં બેઠાં દેશના સાંભળે છે. આવશ્યકવૃત્તિમાં આમ કહ્યું છે અને તેની ચૂર્ણમાં લખ્યું છે કે “સાધુઓ ઉત્કટિક આસને બેસીને સાંભળે છે અને સાધ્વીઓ તથા વૈમાનિક દેવતાની દેવીઓ ઊભા ઊભા દેશના સાંભળે છે.”
ભગવાનના પ્રભાવથી બાળ, વૃદ્ધ, બિમાર કોઈને પણ સમવસરણના પગથિયા ચડતાં જરા પણ શ્રમ પડતો નથી. કોઈના મનમાં વૈરભાવ જાગતો નથી. બીજા ગઢમાં તો તિર્યંચો પોતાનું જાતિવૈર ભૂલીને એક પંગતમાં બેસીને પ્રભુની દેશના સાંભળે છે.
શ્રી જિનેશ્વર ભગવંત પહેલી પોરસી પૂર્ણ થતાં સુધી ધર્મદેશના આપે છે. તે સમયે લોકો પ્રભુને અક્ષતથી વધારે છે. અહીં લોકો એટલે શ્રાવકો ને નગરજનો સમજવાં. તેઓ યથાશક્તિ વર્યાપન વિધિ કરે છે.
વર્યાપન વિધિઃ કલમશાળિના ચોખા અત્યંત સુગંધી, ફોતરા વગરના, ઉજ્જવળ અને અખંડિત ચાર પ્રસ્થ અથવા એક આઢક પ્રમાણ, શુદ્ધ જળથી ધોઈને રાંધવા વડે અર્ધા ફુલેલા હોય તેવા કલમશાળ ચોખા રત્નના થાળમાં ભરીને સોળે શણગાર સજેલી સુવાસિની સ્ત્રી તે થાળને પોતાના માથા ઉપર ઊચકે. તેમાં દેવતાઓ સુગંધી દ્રવ્ય નાંખે જેથી તે બલિ અત્યંત સુગંધી થાય. પછી શ્રાવકો તે બલિ વાજતે ગાજતે પ્રભુ પાસે લઈ જાય. બલિનું પાત્ર આવતાં ભગવંત ક્ષણવાર માટે દેશના આપતાં વિરમે. ત્યારે ચક્રવર્તી પ્રમુખ શ્રાવકો તે બલિ સાથે ત્રણ પ્રદક્ષિણા દઈને પ્રભુના ચરણ પાસે આવે. ત્યાં પૂર્વ દિશામાં ઊભા રહી સર્વ દિશાઓમાં મુઠીએ મુઠીએ તે ચોખા ઉછાળે તેમાંથી અર્ધ ભૂમિ ઉપર પડે તે પહેલાં જ તે ચોખા દેવતાઓ આકાશમાં ગ્રહણ કરી લે. બાકીના અર્થમાંથી અર્ધભાગ તે બલિના કર્તા કે આગેવાન હોય તે લે અને તેમાંથી જે બાકી રહે તે બીજા લોકો જેમ મળે તેમ લે. આમ આ વર્યાપન વિધિ પૂરો થાય છે. આ બલિનો એક દાણો પણ માથે મૂકવાથી તમામ રોગ મટી જાય છે અને છ માસ સુધી નવો એક પણ રોગ થતો નથી.
પછી શ્રી જિનેશ્વર ભગવંત પ્રથમ ગઢમાંથી ઉતરી બીજા ગઢમાં ઈશાન ખૂણામાં દેવછંદા ઉપર આવી અનેક દેવતાઓ પરિવૃત્ત થઈને સુખેથી બેસે છે. બીજી પોરસીમાં રાજા વગેરેએ લાવેલા સિંહાસન ઉપર અથવા પ્રભુના પાદપીઠ ઉપર બેસી ગણધર ભગવંત ધર્મદિશના આપે છે. બીજી પોરસી પૂરી થતાં સૌ પોતપોતાના સ્થાનકે જાય છે. પુનઃ પાછલી પોરસીએ પ્રભુ સિંહાસન ઉપર બેસી દેશના આપે છે.
“આ અનંત ગુણરત્નથી સુશોભિત અરિહંતનું વર્ણન શાસ્ત્રરૂપ સમુદ્રમાંથી ઉદ્ધરીને અહીં કહ્યું છે. ધાર્મિક જનોએ તેને અનુસરીને પોતાના આત્માનું હિત કરવું જોઈએ.”