________________
૨૩૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ સમયે સર્વ વચનયોગને સંધે છે અને આદ્ય સમયે નિષ્પન્ન સૂક્ષ્મ વનસ્પતિકાયનો આદ્ય સમયે જેટલો જઘન્ય કાયયોગ કરે છે, તેના અસંખ્યાતમા ભાગ જેટલા કાયયોગને સમયે સમયે સંધી દેહના ત્રીજા ભાગને છોડતા અસંખ્યાતા સમયે સર્વ કાયયોગને સંધે છે. એવી રીતે શુકુલધ્યાનના ત્રીજા ભેદમાં યોગનિરોધ કરી પાંચ હસ્વ અક્ષરના ઉચ્ચાર પ્રમાણ આયુષ્ય બાકી રહે ત્યારે પર્વતના જેવી નિશ્ચલ કાયાથી કેવળીને શૈલેશીકરણ પ્રાપ્ત થાય છે.
અયોગી કેવળી નામના ચૌદમા ગુણઠાણે સમુચ્છિન્નક્રિયા રૂપ આ ચોથું ધ્યાન છે. આ ધ્યાનમાં સૂક્ષ્મ કાયયોગની ક્રિયા પણ થતી નથી. છેલ્લા ગુણસ્થાનના છેલ્લા બે સમયમાના પહેલા સમયે પંચાશી કર્મપ્રકૃતિની સત્તા હોય છે. ઉપાંત્ય સમયે તેર કર્મ પ્રકૃતિના પ્રકારની સત્તા હોય છે અને અંત સમયે કર્મસત્તા રહિત થઈ તે જ સમયે લોકાંતને પામે છે. તે અસ્પર્શમાન ગતિથી એક સમયથી અધિક સમયને સ્પર્શ કર્યા વિના સિદ્ધિએ જાય છે.
શિષ્ય “ગુરુદેવ ! નિષ્કર્મ આત્માવાળા સિદ્ધની લોકાંત સુધી ગતિ કેવી રીતે થાય?”
ગુરુદેવ : “વત્સ ! પૂર્વ પ્રયોગથી ગતિ થાય છે. અચિંત્ય એવા આત્માના વીર્યથી ઉપાંત્યના બે સમયે પંચાશી કર્મપ્રકૃતિનો ક્ષય કરવાને માટે જે વ્યાપાર અગાઉ કરેલા તેના પ્રયત્નથી સિદ્ધની ગતિ લોકાંત સુધી થાય છે. દા.ત. કુંભારનું ચક્ર કે હિંડોળો ચક્રને એક વખત ઘુમાવ્યા પછી તે વગર પ્રયત્ન પણ ફરતું રહે છે. હિંડોળો પણ તે જ પ્રમાણે હીંચે છે. આમ પૂર્વ ગતિના કારણે સિદ્ધની ગતિ થાય છે. અથવા કર્મ સંગના અભાવથી ગતિ થાય છે. દા.ત. લેપ લગાડેલું તુંબડું. માટીના વજનવાળું તુંબડું પાણીમાં ડૂબી જાય છે, પણ તેના ઉપરથી લેપ નીકળી જતા તે જ તુંબડું પાછું તરવા લાગે છે. તે પ્રમાણે કર્મરૂપી લેપ નીકળી જવાથી-કર્મના અભાવથી સિદ્ધની ઉર્ધ્વગતિ થાય છે. બંધ-મોક્ષના કારણથી પણ ગતિ થાય છે. એરંડાના ફળની અંદર રહેલા બીજ વગેરેનો બંધ તૂટતાં તે બહાર ફૂટી નીકળે છે, તેમ કર્મબંધના છેદથી સિદ્ધની ઉર્ધ્વગતિ થાય છે. સ્વભાવના પરિણામથી પણ સિદ્ધાત્માની ઉર્ધ્વગતિ થાય છે. પાષાણનો સ્વભાવ નીચે પડવાનો છે, વાયુનો સ્વભાવ આડો જવાનો છે, અગ્નિનો સ્વભાવ ઊંચે જવાનો છે તેમ આત્માનો સ્વભાવ ઉર્ધ્વગતિ કરવાનો છે.
સિદ્ધ પોતાના સ્થાનથી ચલિત થતા નથી. સિદ્ધ ભારેપણાના અભાવથી નીચે પડે નહિ. પ્રેરક વિના આડા અવળા જાય નહિ અને ધર્માસ્તિકાયના અભાવથી લોક ઉપર ચાલ્યા જાય નહિ.
જીવનું સિદ્ધગતિમાં ગમન સિદ્ધપણું પ્રાપ્ત થતાં સંયમી મહાત્માનો આત્મા શરીરરૂપ પાંજરામાંથી તમામ અંગથી નીકળી જાય છે. શ્રી ઠાણાંગ સૂત્રના પાંચમા ઠાણામાં કહ્યું છે. “જીવને નીકળવાના પાંચ માર્ગ છે. ૧. પગેથી, ૨. જાંઘેથી, ૩. પેટથી, ૪. મસ્તકેથી અને ૫. સર્વાગથી. આ પાંચ માર્ગમાંથી કોઈ એક માર્ગે જીવ આ શરીર છોડી જાય છે. જીવ પગેથી નીકળે તે નારકી થાય. જાંઘેથી નીકળે તે તિર્યંચ થાય. પેટેથી નીકળે તે મનુષ્ય થાય. મસ્તકેથી નીકળે તે દેવતા થાય અને સર્વાગેથી નીકળેલો જીવ મોક્ષે જાય છે.