________________
૨૨૪ ,
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૩ ઊંચું થાય છે.” આ પ્રમાણ સિંહાસનની નીચેની ભૂમિથી પીઠિકા સુધી સમશ્રેણીએ ઊંચાઈ ગણતાં થાય છે.
આ પીઠના મધ્ય ભાગમાં એક યોજન વિસ્તારવાળો અશોકવૃક્ષ હોય છે. તે શ્રી જિનેશ્વર ભગવંતના શરીરના માપથી બારગણો ઊંચો હોય છે. આ અંગે કહ્યું છે કે – “શ્રી ઋષભદેવ પ્રભુને ચૈત્યવૃક્ષ ત્રણ ગાઉ ઊંચુ હોય છે અને બાકીના તીર્થકરોને શરીરમાનથી બારગણો ઊંચો હોય છે.” ભગવાનને જે વૃક્ષ નીચે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હોય તે વૃક્ષ તે ચૈત્યવૃક્ષ. તે અશોકવૃક્ષની ઉપર રહે છે. અશોકવૃક્ષની નીચે અહિતના દેવછંદો હોય છે. ત્યાં ચારે દિશાએ ચાર સુવર્ણનાં સિંહાસન આવેલા હોય છે. તેમની આગળ એક એક રત્નમય પાદપીઠ હોય છે. તેની ઉપર પ્રભુ ચરણ ધરે ત્યારે તે ઉલ્લસિત થાય છે. દરેક સિંહાસન ઉપર ત્રણ ત્રણ છત્રો હોય છે. તે બધા મોતીની શ્રેણીથી શણગાર્યા હોય છે. દરેક સિંહાસનની બંને બાજુ બબ્બે ચામરધારી દેવતા ઊભા રહે છે. સિંહાસનની આગળ ચારે દિશાએ સુવર્ણકમળ ઉપર સૂર્યના તેજને જીતે તેવું એક એક ધર્મચક્ર હોય છે. આ ઉપરાંત ચારે દિશામાં હજાર હજાર યોજન ઊંચા નાની નાની ઘંટડીઓવાળા ચાર મહાધ્વજ હોય છે. તેમાં પૂર્વમાં ધર્મધ્વજ, દક્ષિણમાં માનધ્વજ, પશ્ચિમમાં ગજધ્વજ અને ઉત્તરમાં સિંહધ્વજ હોય છે.
અહીં જે ધનુષ્ય તથા કોશ વગેરેનું માપ કહ્યું છે તે તે સમયના તીર્થકરના આત્માંગુલ પ્રમાણે જાણવું. વ્યંતર દેવતાઓ મણિપીઠ, ચૈત્યવૃક્ષ, સિંહાસન, છત્ર, ચામર તથા દેવછંદો વગેરે રચે છે. ચારે ય નિકાયના દેવતાઓ ભેગા મળીને આ સમવસરણ રચે છે. બાકી તો કોઈ મહાન દેવતા ધારે તો એકલો પણ આવું સમવસરણ રચી શકે.
ત્યાં વૈમાનિક દેવતા હર્ષથી સિંહનાદ અને દુંદુભિના શબ્દો કરે છે. સૂર્યોદય સમયે પ્રભુ સુવર્ણના કમળ ઉપર ચરણ મૂકતાં પૂર્વદ્વારથી સમવસરણમાં પ્રવેશ કરે છે. પછી ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી પાદપીઠ ઉપર પગ મૂકી “નમો તીર્ધાય” બોલીને સિંહાસન ઉપર બિરાજમાન થાય છે.
તીર્થ એટલે શ્રુતજ્ઞાન અથવા ચતુર્વિધ સંઘ. અહંતને શ્રુતજ્ઞાનપૂર્વક અરિહંતપણાની પ્રાપ્તિ છે આથી તે તીર્થ શબ્દથી શ્રુતજ્ઞાનને નમે છે. અરિહંતને લોકો પૂજે છે. આ લોકપૂજય અરિહંત તીર્થને વંદે તેથી તીર્થ પણ લોકોના માટે પૂજ્ય અને વંદનીય છે. તીર્થને નમન કર્યા બાદ પ્રભુ ધર્મ કહે છે, તેમ બધા જ લોકો તીર્થને વંદન કરે છે. એ પછી ભગવાન ધર્મદશના આપે છે. ભગવાનના માત્ર એક શબ્દથી ઘણા જીવોના સંશય દૂર થાય છે, ભગવાનની વાણીમાં અદ્ભુત શક્તિ હોય છે. તેમનું એક વાક્ય કે એક શબ્દ અનેક અર્થને પ્રકટ કરે છે. આથી દરેકને તે શબ્દાર્થ કે વાક્યાર્થથી પોતાના મનનું સમાધાન થઈ જાય છે. આ માટે એક દષ્ટાંત છે.