________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૨૧૩
સમર્થ એવા શ્રી અરિહંત પ્રભુની માતા થયા છો. એથી તમારું જીવન ધન્ય બન્યું છે. હે માતા ! તમે ડરશો નહિ. અમે તમારા પુત્રનો જન્મોત્સવ કરવા અહીં આવ્યા છીએ.” આમ કહીને સંવર્તક વાયુથી પ્રભુના જન્મગૃહથી એક યોજન પ્રમાણ ક્ષેત્રને રજ, અસ્થિ, કેશ તથા તૃણાદિકથી રહિત કરી સ્વકાર્ય બજાવી ગાયન ગાતી ઉભી રહે.
બીજી દિકુમારીઓ પણ આ જ પ્રમાણે આવે, પરંતુ તે દરેકનું કાર્ય ભિન્ન-ભિન્ન હોય છે. પૃથ્વીથી પાંચસો યોજન ઊંચા નંદનવનમાં પાંચસો યોજન ઊંચા શિખર પર રહેતી મેળંકરા વગેરે આઠ ઊર્ધ્વલોકવાસી દિકુમારીઓ ત્યાંથી પૂર્વવત્ આવી, સુગંધી મેઘને વિક્ર્વે. પ્રથમ સાફ કરેલ યોજન પ્રમાણ ક્ષેત્રને સુગંધી જળધારાથી શીતળ કરે એ પછી એ યોજન પ્રમાણ ક્ષેત્રમાં ઢીંચણ સુધી પંચવર્ષી પુષ્પની વૃષ્ટિ કરે અને ચોતરફ સુગંધી ધૂપ કરે.
એ પછી નંદોત્તરા પ્રમુખ આઠ પૂર્વરૂચકનિવાસી દિકુમારીકાઓ ત્યાં આવીને જિનને તથા જિનમાતાને નમી હાથમાં દર્પણ લઈ ગીત ગાય. સમાહારા વગેરે આઠ દક્ષિણરૂચકવાસી દિકુમારીઓ હાથમાં પૂર્ણ કળશ રાખી પ્રભુની દક્ષિણ તરફ ગીત ગાતી ઉભી રહે. ઈલાદેવી વગેરે આઠ દિકુમારીઓ પશ્ચિમ રૂચકથી આવે. તે હાથમાં પંખો લઈને પ્રભુની પશ્ચિમ બાજુએ ઉભી રહીને ગીત ગાય. અલંબૂસા વગેરે આઠ દિકુમારીઓ ઉત્તરરૂચકથી આવીને પ્રભુની ઉત્તર બાજુએ ઉભી રહીને ચામર વીંઝે. ચિત્રા વગેરે ચાર દિકુમારીઓ વિદિશા રૂચકથી આવે અને પ્રભુને તથા માતાને નમીને હાથમાં દીપક લઈને ચારે વિદિશાઓમાં ગીત ગાતી ઉભી રહે. રૂપા વગેરે ચાર દિકુમારીઓ મધ્ય રૂચકથી પરિવાર સહિત આવીને પ્રભુની નાળ ચાર આંગળ વર્જીને વધેરે અને તે નાળને પૃથ્વીમાં નાંખી તે ખાડાને ઉત્તમ રત્નોથી પૂરી દે. પછી અરિહંતના અંગની આશાતના ન થાય તે માટે સ્થાન ઉપર દુર્વાના અંકુર વાવે. પછી પશ્ચિમ સિવાય ત્રણે દિશાઓમાં કદલીનાં ત્રણ ઘર વિષુર્વી તે દરેક ઘરમાં એકેક સિંહાસનવાળું ચતુઃશાલ વિકુર્વે અને પછી જિનને હાથમાં ઉંચકીને જિનમાતાને હાથનો ટેકો આપી તેમને આગળ કરીને દક્ષિણ દિશાના ઘરમાં લઈ જાય છે. ત્યાં ભદ્રાસન ઉપર બેસાડીને દિવ્ય તૈલથી અભંગ કરી સુગંધી દ્રવ્યથી તેમનાં અંગને ઉદ્ધૃર્તન કરે છે. તે બાદ કદલીગૃહમાં લાવીને સિંહાસન ઉપર બેસાડી સુગંધિત જળથી નવડાવે છે. સ્નાન કરાવ્યા બાદ અલંકારથી ભૂષિત કરે અને ત્યારપછી જિનને ઉત્તર તરફના કદલીગૃહમાં લઈ જઈ સિંહાસન પર બેઠેલા જિનમાતાના ઉત્સંગમાં પ્રભુને બેસાડે.
ત્યારબાદ સેવક દેવતાઓ પાસે ગોશીર્ષચંદનના કાષ્ઠ મંગાવી અરણી કાષ્ઠના મંથનથી તેમાં અગ્નિ ઉત્પન્ન કરી તેમની રક્ષા માટે ચંદનકાહનો હોમ કરે. તે પછી પ્રેત વગેરેનો દોષ હણવા માટે જિન તથા જિનમાતા બંનેને હાથે રક્ષાપોટલી બાંધે. એ બાદ બે ગોળ પથ્થર અફળાવી આશીર્વાદ આપે. “તમે પર્વતના જેવા આયુષ્યવાન થાઓ.” પછી તેમને જેમ લાવ્યા હતા તેમ પાછા લઈ જઈને જન્મગૃહમાં શય્યા પર બેસાડી તેમની સન્મુખ ભક્તિગીત ગાય.
આ દેવીઓ ભવનપતિ જાતિની છે એમ બહુશ્રુત પુરુષોએ નિશ્ચય કરેલો છે. કારણ કે
ઉ.ભા.-૩-૧૫