________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૨૦૯
તથા પાઠાભ્યાસના આદર વગેરેથી આદરવા, કેટલાંક તો વીસ દિવસ એક પંક્તિથી એક એક સ્થાન એમ વીસ પંક્તિ વડે વીસ સ્થાનકની આરાધના કરે છે. સાંપ્રતકાળે આ પદના જપ સંપ્રદાયથી જાણી લેવાં, સંપૂર્ણ તપ કરવાને શક્તિ ન હોય તો એક સ્થાન, બે સ્થાન અથવા બધા ય સ્થાનો શ્રેણિક રાજાની જેમ ભક્તિથી ક્રમશઃ આરાધવા. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ સ્થાનકોની આરાધના કરવાથી તીર્થંકરપણાને પામે છે.”
જિનેન્દ્રના ભવની પૂર્વે ત્રીજા ભવમાં તીર્થકર ગોત્રકર્મ બાંધ્યા પછી તેમનો જીવ ક્યાં જાય છે તે અત્રે કહેવામાં આવે છે. “તીર્થંકરપદનું કર્મ જેણે ઉપાર્જન કર્યું હોય તે જીવ તે ભવમાંથી મરીને વૈમાનિક દેવતા થાય છે. પરંતુ જો કોઈ જીવે પૂર્વે આયુષ્ય બાંધ્યું હોય તો તે જીવ નરકે પણ જાય છે.” અર્થાત્ અરિહંતપદ સમ્યકત્વ હોય તો જ બંધાય છે. આથી તે જીવ મરીને વૈમાનિક દેવતા જ થાય છે, પરંતુ સમ્યકત્વ અને જિનપદની પ્રાપ્તિ થયા અગાઉ કોઈ જીવે નારીનું આયુષ્ય બાંધ્યું હોય અને પછી તીર્થંકરપદનો બંધ થાય તો તે કૃષ્ણ, સત્યકિ અને શ્રેણિક વગેરેની જેમ નરકે પણ જાય છે અને નરકમાંથી નીકળીને તીર્થંકર થાય છે.
જીર્ણસંગ્રહણીમાં કહ્યું છે કે “પહેલી ત્રણ નારકીમાંથી નીકળેલા જીવ તે પછીના ભવમાં તીર્થકર થાય છે. બાકીના ચાર નારકીમાંથી નીકળેલા જીવ તીર્થકર થતા નથી. ચોથી નારકીમાંથી નીકળેલા જીવ સામાન્ય કેવળી થાય છે, પરંતુ જિનેન્દ્ર થતા નથી. પાંચમી નારકીમાંથી નીકળેલા જીવ સર્વવિરતિરૂપ સાધુપણું પામે છે, પરંતુ કેવળજ્ઞાન પામતા નથી. છઠ્ઠી નારકીમાંથી નીકળી પાંચમું ગુણઠાણું (શ્રાવકપણું) પામે પણ મુનિપણું પામતા નથી, સાતમી નારકીમાંથી નીકળેલા જીવ સમ્યક્ત્વ પામે છે પરંતુ બીજા ગુણ પામતા નથી.”
આજ અર્થને વિસ્તારથી કહે છે કે “પહેલી નારકીમાંથી નીકળી જીવ ચક્રવર્તી થાય છે, બીજી નારકીમાંથી નીકળી વાસુદેવ-બળદેવ થાય છે. ત્રીજીમાંથી જિન થાય છે. ચોથીમાંથી નીકળી ભવાત કરે છે. અર્થાત્ કેવળજ્ઞાન પામી મોક્ષે જાય છે. પાંચમી નારકીમાંથી નીકળી મનુષ્યપણું ને સાધુપણું પામે છે, છઠ્ઠી નારકીમાંથી નીકળેલાને અનંતરભવે મનુષ્ય થવાની શક્યતા છે. કોઈ મનુષ્ય થાય છે અને કોઈ નથી પણ થતાં. જે મનુષ્ય થાય છે તે પણ સંયમનો લાભ પામતા નથી, દેશવિરતિ થાય છે. સાતમી નારકીમાંથી નીકળેલા જીવ માનવભવ પામતા નથી. તે તિર્યંચગતિ જ પામે છે અને એ ગતિમાં સમ્યકત્વ પામી શકે છે.”
૧૯o,
તીર્થકરોના ચ્યવન કલ્યાણકનું વર્ણન देवभवं च तत्सौख्यं, भुक्त्वा च्युत्वेह सत्कुले । श्रीमतीभूपतेर्भार्या-कुक्षावुत्पद्यते जिनः ॥