________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૧૯૫
આથી જ પૂર્વાચાર્યોએ કહ્યું છે કે “જિનેશ્વર ભગવંતની પૂજાભક્તિ નિમિત્તે દીપ, ધૂપ કરીને પછી જે મૂઢ તેના વડે મોહથી પોતાનું ઘરકાર્ય કરે છે તે બહુવા૨ તિર્યંચપણું પામે છે.” માટે દેવસંબંધી દીપકથી સંસારી લેખ વાંચવા નહિ, સાવઘ નાણાની પરીક્ષા કરવી નહિ, અને તે દીપ વડે પોતાના કામનો બીજો દીપક પણ પેટાવવો નહિ. ઉપલક્ષણથી દેવસંબંધી કેશરચંદનથી પોતાના લલાટે તિલક કરવું નહિ અને દેવજળથી હાથ ધોવા નહિ. પણ જો કોઈ સ્નાનાદિક માટે જળ લાવીને ચૈત્યમાં મૂકે તો તેના વડે હાથ ધોવામાં દોષ નથી. એ પ્રમાણે સર્વ કાર્યમાં વિવેક રાખવો. દેવદ્રવ્ય તુરત જ આપી દેવું. તે સંબંધમાં કહ્યું છે કે :
चैत्यायत्तीकृतं द्रव्यं, दातव्यं शीघ्रमेव च । वृद्धिश्च देवद्रव्यस्य, निष्पाद्यौ शुद्धबुद्धिभिः ॥
“ચૈત્ય નિમિત્તે બોલેલું કે આપવા કહેલું દ્રવ્ય સત્વરે આપી દેવું અને શુદ્ધ બુદ્ધિથી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી.”
ન
પોતાની પાસે એક ક્ષણ પણ દેવદ્રવ્ય રાખવું જોઈએ નહિ. બીજાનું દેવું હોય તો તે ચૂકવવામાં વિવેકી પુરુષો વિલંબ કરતા નથી તો પછી દેવદ્રવ્યની ચૂકવણીમાં વિલંબ તો કેવી જ રીતે કરી શકાય ? તુરત આપી શકાય તેમ ન હોય તો આપી શકાય તેટલા સમયનો વાયદો કરવો. પણ આપેલ વાયદા પ્રમાણે દેવદ્રવ્ય ભરપાઈ કરી દેવું. એમ ન કરનારને દેવદ્રવ્યના ઉપભોગનો દોષ લાગે છે. દેવદ્રવ્યની ચૂકવણીમાં વિલંબ કરવાથી સા૨ા શ્રાવકની પણ દુર્ગતિ થાય છે. તે વિષે આ દૃષ્ટાંત મનનીય છે. :
ન
ઋષભદત્ત શેઠની કથા
મહાપુર નગરના જૈનો એક દેરાસરના જીર્ણોદ્ધાર કરવા માટે ટીપ કરી રહ્યા હતાં. તે સમયે ઋષભદત્ત ત્યાં જઈ ચડ્યો. તે સમયે તેની પાસે દ્રવ્ય ન હતું. આથી તેણે અમુક દિવસે દ્રવ્ય આપવાનું કહી પોતાની શક્તિ મુજબનું દ્રવ્ય ટીપમાં નોંધાવ્યું.
ઋષભદત્ત પછી પોતાના કામમાં એટલો બધો વ્યસ્ત બની ગયો કે લખાયેલું દ્રવ્ય આપવાનો વાયદો તે ચૂકી ગયો. ત્યાં જ દૈવયોગે તેના ઘરે ચોરોએ ધાડ પાડી. ચોરનો સામનો કરવા જતાં ઋષભદત્તનું શસ્ત્રના પ્રહારથી મૃત્યુ થયું. મરીને તે જ નગરમાં તે કોઈ મહિષવાહકને ત્યાં પાડો થયો. પાડાના દુઃખનો પાર ન હતો. તેનો માલિક નિર્દય હતો. પાડા ઉપર ભીસતી મૂકાવતો. દરેક ઘરનું તેણે પાણી ઊંચકવું પડતું. અધૂરામાં પૂરા નગરની રચના ટેકરાળ હતી. આથી ભારે બોજ ઉંચકી તેને સતત ચડઉતર કરવી પડતી. સહેજ થોભે તો ચાબૂક પડતી. આમ તેને માર પણ સહન કરવો પડતો.
એક સમયે તેના ફાળે કોઈ બંધાતા ચૈત્ય માટે પાણી લઈ જવાનું આવ્યું. ચૈત્યને અવારનવાર જોતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. આથી તે અંતરથી જિનભક્તિ કરવા લાગ્યો. પછી