________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૧૯૯
ગામ પહોંચ્યો. ત્યાં તે ગામના ઠાકોરને ત્યાં ગયો. જે દિવસે તેણે ઠાકોરને ત્યાં કામ શરૂ કર્યું તે જ રાતે ઠાકોરના ઘર પર ચોરોએ ધાડ પાડી. ચોરો તેને શેઠનો પુત્ર જાણી ઉપાડી ગયાં. પણ ત્યાં ય ચોરોની પલ્લીમાં ય તેનું ભાગ્ય વિફર્યું. બીજા ચોરોએ પલ્લી પર હુમલો કર્યો. આથી ચોરના સરદારે તેને અપશુકનિયાળ સમજીને કાઢી મૂક્યો.
આમ નવસો ને નવ્વાણું સ્થળોએ નિપુણ્ય ભટક્યો. દરેક સ્થળે તેના પગલે કંઈ ને કંઈ ઉપદ્રવ થયાં. આથી એ દરેક સ્થળેથી તે હડધૂત થયો. છેવટે તે કોઈ એક જંગલમાં ગયો. ત્યાં તેણે સેલક નામના યક્ષની આરાધના કરી. એકવીશ ઉપવાસ સહિત અખંડ જાપ કર્યા. આથી યક્ષ તેના ૫૨ પ્રસન્ન થયો અને વરદાન આપતા કહ્યું : “હે ભદ્ર ! દરરોજ સંધ્યા કાળે મારી સમક્ષ સોનાના હજાર પીંછાવાળો એક મોટો મોર નૃત્ય કરશે, રોજ તેનાં અહીં પીંછા પડશે. એ સોનાનાં પીંછા તારે લઈ લેવાં.’’
નિપુણ્યે તે દિવસથી માંડીને નવસો પીંછા ભેગા કર્યા. નવસો એકમા દિવસે તેને દુર્બુદ્ધિ સુઝી. રોજ રોજ આમ ક્યાં સુધી રાહ જોવી ? આના કરતાં મોરને મારી નાંખીને એક સાથે જ બધા પીછાં લઈ લઉં.''
આ વિચાર તેણે અમલમાં મૂક્યો. જેવો તે મોરને પકડવા ગયો તેવો જ મોર કાગડો થઈને ઉડી ગયો એટલું જ નહિ. અગાઉ ભેગાં કરેલા સોનાનાં બધાં જ પીંછા એકદમ અદૃશ્ય થઈ ગયાં. એ જોઈ નિપુણ્ય ફરી માથું ફૂટવા લાગ્યો અને પોતાની દુર્બુદ્ધિને તેમજ દુષ્કર્મને ધિક્કારવા લાગ્યો.
ભૂખ્યો તરસ્યો જંગલમાં તે રખડી રહ્યો હતો. ત્યાં તેણે એ જંગલમાં કોઈ ધ્યાનસ્થ મુનિને જોયાં. એ મુનિ ત્રિકાળજ્ઞાની હતાં. નિપુણ્યે તેમને વંદના કરી અને પછી પૂછ્યું કે “હે પ્રભો ! મારી હાલત મારા કયા પાપને કારણે છે ? અને તે ક્યારે અને કેવી રીતે સુધરશે ?”
જ્ઞાની ભગવંતે તેને સાગરશ્રેષ્ઠિનો ભવ કહ્યો અને કહ્યું : “પ્રથમ ઉપભોગમાં લીધેલા દેવદ્રવ્યથી અધિક દ્રવ્ય પાછું આપવું અને દેવદ્રવ્યની રક્ષા કરવી. આથી તારા દુષ્કર્મનો નાશ થશે.” એ બાદ નિપુણ્યે “લીધેલા દેવદ્રવ્યથી હજારગણું દ્રવ્ય દેવભક્તિમાં આપવાનો અને તે પૂરું થાય ત્યાં સુધી વસ્ત્ર, આહાર વગેરે નિર્વાહ ઉપરાંત કંઈપણ દ્રવ્ય ભેગું નહિ કરવાનો” નિયમ લીધો.
ત્યારપછી નિપુણ્યને દરેક કામમાં સફળતા મળવા લાગી. તે ઘણું દ્રવ્ય કમાવા લાગ્યો. તે કમાણી તે દેવદ્રવ્યમાં આપતો. આમ થોડાં જ સમયમાં તેણે દસ લાખ કાંકણી દેવદ્રવ્યમાં વાપરી. આમ દેવદ્રવ્યના દેવામાંથી મુક્ત થયો. ઘણું દ્રવ્ય કમાઈ તે પોતાના મૂળ નગરમાં પાછો ફર્યો. ત્યાં પણ તેણે દેવદ્રવ્યમાં દ્રવ્ય વાપરવા માંડ્યું. નવાં ચૈત્ય બનાવ્યાં. જૂના ચૈત્યોનો ઉદ્ધાર કરાવ્યો. સંઘે તેને દેવદ્રવ્યનો વહીવટ સોંપ્યો. આ ભવે તેણે યોગ્ય વ્યવહારથી દેવદ્રવ્યની રક્ષા કરી. એટલું જ નહિ તેમાં વૃદ્ધિ પણ કરી. આ પુણ્યકર્મથી તેણે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું.