________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૨૦૧
ચૈત્યવાસીઓએ તેમનું નામ સાવઘાચાર્ય તરીકે ગૂંજતું કરી દીધું. પરંતુ આવી મજાકથી મુનિએ લેશમાત્ર પણ ગુસ્સો કર્યો નહિ.
એક સમયની વાત છે. પેલા ચૈત્યવાસીઓમાં વિવાદ થયો. કોઈએ કહ્યું : “જો ગૃહસ્થ ન જ હોય તો સાધુ ચૈત્યની રક્ષા કરે ચૈત્યને સંભાળે, ને જરૂરી આરંભ સમારંભ કરે. આમ કરે તો તે સાધુને દોષ લાગે નહિ.” બીજાએ કહ્યું : “સંયમ જ મોક્ષે લઈ જનાર છે માટે સાધુએ સંયમ સિવાયની બીજી કોઈ સંસારની કે સંસાર જેવી પ્રવૃત્તિ કરવી નહિ.”
ત્રીજાએ કહ્યું : “ચૈત્યપૂજા પણ મોક્ષે લઈ જનાર છે આથી સાધુ ચૈત્યની રક્ષા કરે તેમાં કોઈ પાપ કે દોષ નથી.” આમ સૌ પોત-પોતાનો કક્કો ખરો કરવા લાગ્યાં. કોઈ સમાધાન ન થયું એટલે સૌએ પેલા શ્રી કુવલયપ્રભ મુનિને બોલાવ્યા અને તેમનો અભિપ્રાય માંગ્યો. તેમણે સત્ય મુનિનો આચાર સમજાવ્યો. એથી વિવાદ શમી ગયો.
એક વખતે એક સાધ્વીએ ભક્તિથી કુવલયપ્રભ મુનિને વંદના કરી અને શ્રદ્ધાથી તેમના ચરણ પર માથું મૂક્યું. સાધ્વીએ કરેલ સ્પર્શને પેલા ચૈત્યવાસીઓએ જોયો. થોડા દિવસ બાદ મુનિને વ્યાખ્યાનમાં મહાનિશીથ સૂત્રની ગાથાનો અર્થ કરવાનો આવ્યો. એ ગાથા ને તેનો અર્થ ખ્યાલમાં આવતાં જ મુનિ જરા ખચકાઈ ગયાં. તુરત જ તેમને પેલી સાધ્વીના સ્પર્શની ઘટના યાદ આવી ગઈ. તેમને વિચાર આવ્યો કે ચૈત્યો બધાં સાવદ્ય છે. એમ કહેવાથી તો મારું સાવદ્યાચાર્ય નામ પડ્યું છે. હવે જો આ ગાથાનો યથાર્થ અર્થ કહીશ. તો ફરી તેઓ મને બીજું કંઈ ઉપનામ આપશે. પરંતુ મુનિ નિડર હતાં. આથી લોકનિંદાની પરવા કર્યા વિના તેમણે ગાથાનો યથાર્થ અર્થ કહ્યો : “જે મુનિ કારણ પ્રાપ્ત છતાં નિરાગીપણે પણ સ્ત્રીના હસ્તનો સ્પર્શ કરે તો હે ગૌતમ ! તું નિશ્ચયે જાણજે કે તેના મૂળ ગુણની હાનિ થઈ છે.”
આ અર્થ અને તેનો વિસ્તરાર્થ સાંભળતાં જ પેલા ચૈત્યવાસીઓએ સાધ્વીના સ્પર્શની ઘટનાનો ખુલાસો માંગ્યો અને કહ્યું : “તો તો પછી હે મુનિ ! તમારા પણ મૂળગુણની હાનિ થઈ છે એમ જ માનવાનું ને ?”
આ ધડાકો સાંભળી બદનામીના ભયથી મુનિએ કહ્યું : “સ્યાદ્વાદ મતના ઉત્સર્ગ અને અપવાદ એમ બે માર્ગ છે તે તમે જાણતા નથી. કહ્યું છે કે “એકાંતવાદ તે મિથ્યાત્વ છે અને અનેકાંતવાદ તે સ્યાદ્વાદ માર્ગ છે.”
ચૈત્યવાસીઓનું તેથી સમાધાન થયું. મુનિની અપકીર્તિ ન થઈ પરંતુ ઉત્સૂત્ર બોલવાથી મુનિને મહાદોષ લાગ્યો. એ દોષની તેમણે આલોચના પણ ન કરી. આથી મરીને તે વ્યંતર થયાં. ત્યાંથી ચ્યવીને કોઈ પ્રતિવાસુદેવના પુરોહિતની પુત્રીની કુક્ષિએ ઉત્પન્ન થયાં.
આ પુત્રીનો પતિ પરદેશ ગયો હતો. એ સમયમાં તેને ગર્ભ રહ્યો આથી લોકભયથી તેના માતા-પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂકી. પુત્રી દેશાંતર ગઈ અને કોઈ કુંભારને ત્યાં દાસી બનીને