________________
૧૯૬
-
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ પૂર્વભવના પુત્રે જ્ઞાનીના વચનથી પોતાના પિતાનો જીવ જાણી દ્રવ્ય આપીને છોડાવ્યો અને પૂર્વભવનું બાકી રહેલું દેવદ્રવ્ય દેવું હજાર ગણું આપીને તેને ઋણમુક્ત કર્યો. પાડો અનશન કરીને સ્વર્ગે ગયો.
આમ આ દૃષ્ટાંતથી પ્રેરણા લેવાની છે કે લખાવેલ દેવદ્રવ્ય આપવામાં જરાપણ વિલંબ કરવો નહિ.
શ્રાવકોએ નિર્દોષપણે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી જોઈએ. દ્રવ્યથી પંદર કર્માદાન અને નઠારા વ્યાપાર કર્યા સિવાય શુભ વ્યવહારાદિકથી જ દેવદ્રવ્ય વધારવું. કહ્યું છે કે “પ્રભુની આજ્ઞા વિનાના કાર્ય વડે દેવદ્રવ્ય વધારવા છતાં પણ કેટલાક મૂઢ જીવો મોહ વડે અજ્ઞાની હોવાથી ભવસાગરમાં ડૂબે છે.”
દેવદ્રવ્ય વ્યાજે લેવું પણ નહિ અને વ્યાજે આપવું પણ નહિ. શ્રાવક ન હોય તેવી જાતિની વ્યક્તિના કંઈક અધિક કિંમતના ઘરેણાં રાખીને તે દેવદ્રવ્યની વ્યાજ વડે વૃદ્ધિ કરી શકાય. તે યોગ્ય છે. સમ્યકત્સરીની ટીકામાં શંકાશની કથા કહેતાં આ વિધાન કરવામાં આવ્યું છે.
દેવદ્રવ્ય વિનાશ પામતું હોય અને તેને પ્રેક્ષક બની જોઈ રહેવામાં આવે તો તેમ જોનારને પણ દોષ લાગે છે. કહ્યું છે કે “શ્રાવક જો દેવદ્રવ્ય ખાય અથવા તે ખાઈ જતા હોય તેની ઉપેક્ષા કરે તો તે બુદ્ધિહીન થાય અને પાપકર્મ વડે લેપાય.” આ ઉપરાંત દેવદ્રવ્યના ભક્ષણને ઉત્કૃષ્ટ આશાતના ગણાવેલ છે.
પ્રતિમાને ધૂપધાણું વગેરે અથડાઈ જાય, શ્વાસ લાગે કે વસ્ત્રનો છેડો અડી જાય તો તેનાથી જઘન્ય આશાતના લાગે છે. આ અંગે કોઈ શંકા કરે છે તો પછી પ્રતિમાને વાળાકુંચી કરવાથી પણ આશાતના લાગે ને? આનું સમાધાન કરતા શાસ્ત્રકારો કહે છે કે – ના, તેનાથી આશાતના નથી થતી. લોકમાન્યતા છે કે અપમાન કે તિરસ્કારની બુદ્ધિથી જે ક્રિયા કરવી તે અશાતના છે. સત્કાર કે હિતબુદ્ધિથી કરાતી ઉચિત ક્રિયા તે આશાતના નથી. આથી જ ઈન્ટે કરેલ સ્નાત્ર તે પૂજા છે અને કમઠે કરેલ સ્નાત્ર તે અશાતના છે. આમ એક જ પ્રકારની ક્રિયા પણ અભિપ્રાયના ભેદે અમૃતરૂપ અને વિષરૂપ થાય છે.
ધોયા વગરના વસ્ત્રથી પૂજન કરવું, બિંબનું પૃથ્વી પર પડી જવું વગેરે મધ્યમ આશાતના છે અને પ્રતિમાને પગ લગાડવો, લીંટ વગેરેના છાંટા ઉડાડવા, દેવદ્રવ્ય ઓળવવું, બિંબનું ભાંગવું અને બિંબની અવહેલના કરવી તે ઉત્કૃષ્ટ આશાતના છે.
આ પ્રમાણે જાણીને શ્રાવકોએ દેવદ્રવ્ય ઓળવવું નહિ. તેથી ભયાનક આશાતના થાય છે અને જીવને દુર્ગતિમાં ભટકવું પડે છે. શ્રાવકોએ તો જિનાજ્ઞામાં રહીને દેવદ્રવ્યની રક્ષા અને તેની વૃદ્ધિ કરવાની જ કાળજી રાખવી જોઈએ.
C