________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
~
૧૯૩
જમતાં જમતાં પણ ખીરના સ્વાદ અને શુભંકરના ભાગ્યનો જ વિચાર કરતા રહ્યાં : આહાહા ! ખીરનો શું સ્વાદ છે? દેવતાઓને પણ આવી ખીર ભાગ્યે જ મળે. આજ સુધી મેં નાહકનો જ તપ કરી દેહદમન કર્યું. જેમને રોજ આવું ભોજન મળે છે તેમને ધન્ય છે.”
આમ ખીર વાપરીને મુનિ સૂઈ ગયાં. સૂતા તે સૂતા આવશ્યક ક્રિયા કરવાના સમયે સૂતા જ રહ્યાં. ગુરુને વિચાર આવ્યો : “આ શિષ્ય ક્યારેય આવશ્યક ક્રિયા ચૂક્યો નથી. આજે ચૂક્યો છે. આથી લાગે છે તેણે કોઈ અશુદ્ધ આહાર લીધો હશે.”
સવારનો સમય થતાં શુભંકર ગુરુવંદના કરવા આવ્યો. તે સમયે પણ પેલા મુનિ સૂતેલા જ હતાં. એ જોઈ ચિંતાથી શુભંકરે તેનું કારણ પૂછ્યું. ગુરુએ કહ્યું : “હે શુભંકર ! આ મુનિ ગઈકાલે સાંજે ગોચરી વાપરીને સૂતા છે તે સૂતા જ છે. ઉઠાડવા છતાં ઉક્યા નથી. લાગે છે કે અશુદ્ધ આહારનું તેમને ઘેન ચડ્યું છે.”
એ જાણી શુભંકરે કહ્યું : “ગઈકાલે સાંજે તો મેં જ તેમને ગોચરી હોરાવવાનો લાભ લીધો હતો.”
ગુરુ “શુભંકર ! તમને બરાબર યાદ છે કે તમે હોરાવેલ આહાર શુદ્ધ અને મુનિને ખપે તેવો હતો?”
શુભંકરે નિખાલસતાથી સરળ ભાવે કહ્યું: “સ્વામી! દોષ કોઈ હોય તો મને ખબર નથી પરંતુ મેં જે ચોખાની ખીર બનાવી હતી તે ચોખા મારા ઘરના ચોખાની બદલીમાં હું દેરાસરમાંથી લાવ્યો હતો.” પછી તે બધી ઘટના અથેતિ કહી સંભળાવી.
ગુરુ : “શુભંકર ! તેં આ યોગ્ય કર્યું નથી.” સિદ્ધાંતમાં કહ્યું છે કે “જિનપ્રવચનની વૃદ્ધિ કરનાર અને જ્ઞાનદર્શન ગુણનો પ્રભાવક શ્રાવક પણ જો જિનદ્રવ્યનું ભક્ષણ કરે તો તે સંસારી થાય છે અને તેવો જ શ્રાવક જો જિનદ્રવ્યનું રક્ષણ કરે તો તે પરિત્ત સંસારી થાય છે.”
ગુરુએ તેને આ સંબંધમાં એક દાંત કહ્યું: એક શ્રીમંત શેઠ હતો. આ શેઠ પોતાના એક પાડોશીને રોજ પજવતો હતો. આથી ગરીબ પાડોશીએ વિચાર્યું કે “આ શેઠને હું મારા જેવો ગરીબ કરું તો જ હું ખરો.”
એ વિચારને અમલમાં મૂકવાની તક તેને એક દિવસ મળી ગઈ. શેઠ મકાન ચણાવતા હતાં. ગરીબ પાડોશીએ કોઈ જિનાલયની ઈંટો લાવીને એ શેઠના મકાનની ઈંટો ભેગી મૂકી દીધી. મકાન તો તૈયાર થઈ ગયું, પણ જિનાલયની ઈટોનો તેમાં ઉપયોગ થવાથી એ શેઠ થોડા દિવસમાં જ ગરીબ થઈ ગયો. એ જોઈને એક અવસરે પેલા ગરીબે શેઠને કહ્યું : “કેમ શેઠ! હવે સમજાય છે ને કે ગરીબી કેવી હોય છે?” એમ કહીને તેણે કરેલ કૃત્યની વાત કરી.
એ જાણતાં જ શેઠે ઘરમાંથી પેલી ઈંટો કઢાવી નાખી અને તેના પ્રાયશ્ચિત્તરૂપે એક નવું જિનચૈત્ય બંધાવ્યું.