________________
mer
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૩
પણ બેટા ! મારાથી તને કેમ મોકલાય? તું તો મારો મહેમાન છે.”
હું મહેમાન હતો પહેલા દિવસે. પણ આ જ તો હું તમારો પુત્ર છું. માટે તમે મનમાં એવા વિચાર ન રાખો અને સ્વસ્થ થાવ, પ્રભુનું સ્મરણ કરો.” આમ બંને એકબીજાને સમજાવતા રહ્યાં.
સમય થતાં કૌશાંબીનો ચિત્રકાર યક્ષનું ચિત્ર ચીતરવા માટે તૈયારી કરવા લાગ્યો. સૌ પ્રથમ તેણે છટ્ટનું પચ્ચકખાણ લીધું. પછી નિર્મળ અને સુગંધી જળથી સ્નાન કર્યું. ધોયેલા અને સ્વચ્છ તેમજ પવિત્ર વસ્ત્ર પહેર્યા અને રંગના કચોળા ભરી નવી પીંછીઓ લઈ યક્ષનું ચિત્ર ચીતરવા માટે બેઠો. પહેલી રેખા દોરતા પહેલા તેણે મુખ ઉપર અષ્ટપુષ્ટ વસ્ત્ર બાંધ્યું. યક્ષના રૂપને મનમાં ધારીને ભાવથી પ્રથમ વંદના કરી અને પ્રાર્થના કરીઃ “હે યક્ષદેવ! આપ તો મહાન છો. સમૃદ્ધ અને સામર્થ્યવાન છો. તમારા દેહનું રૂપ તો હજી પણ કદાચ આબેહૂબ ચીતરી શકાય પરંતુ તમારું ગુણયુક્ત રૂપ ચીતરવાનું કોઈમાં જ સામર્થ્ય નથી. મારામાં પણ નથી, આથી આપના સ્વરૂપમાં કંઈપણ ક્ષતિ જણાય તો મને ક્ષમા કરજો.”
આમ ભાવવંદના કરી યક્ષ પ્રત્યે પૂરી ભક્તિથી ચિત્રકાર યક્ષને ચિત્રમાં આલેખવા લાગ્યો. ચિત્ર પૂરું થતાં જ સત્યદેવ યક્ષ હાજરાહજૂર થયો અને બોલ્યો : “ચિત્રકાર તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. માંગ તે હું તને આપું.”
“દેવ ! આપના દર્શન પામીને હું ધન્ય છું. આપ પ્રસન્ન થઈ માંગવાનું કહો છો તો આ નગરીમાંથી ઉપદ્રવનું નિરાકરણ કરી તમામ ચિત્રકારોને અભયદાન આપો. એ આપશો તો હું આપનો ઉપકાર કદી નહિ વિસરું.”
“ચિત્રકાર ! તારી એ માગણી હું પૂરી કરું છું. હવેથી કોઈને દુઃખ નહિ થાય અને બધા જ ચિત્રકાર મુક્ત અને નિર્ભયતાથી જીવી શકશે. પણ તું તારા પોતા માટે કંઈક માંગ. કારણ હું તારી પૂજા-ભક્તિથી ખૂશ થયો છું, માટે તને ઈચ્છા હોય તે માંગી લે.” દેવે ચિત્રકારને પોતાના માટે માંગવા આગ્રહ કર્યો. આથી ચિત્રકારે કહ્યું -
તો દેવ! મને એવું વરદાન આપો કે કોઈનું એક અંગ પણ જોઉં તો તે પરથી હું તેનું આખું રૂ૫ ચિતરી શકું.”
તથાસ્તુ” એમ કહીને સત્યદેવ અદશ્ય થઈ ગયો. * આ કથાનકથી પૂજકોએ પ્રેરણા લેવાની છે કે પૂજા વિધિપૂર્વક કરવી. વિનયથી કરવી. ઉત્કટ ભાવનાથી કરવી. પવિત્ર મન અને પવિત્ર સાધનો-ઉપકરણોથી કરવી.