________________
:
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩
ચિત્રકારની કથા સાકેતપુરના નગરજનો છેલ્લા કેટલાક સમયથી સતત ભયમાં જીવી રહ્યા હતાં. અહીં રોજ કોઈ ને કોઈ ઘરમાં મૃત્યુનો વિલાપ સંભળાતો.
આ ભય અને આક્રંદ સત્યદેવ યક્ષના કારણે હતાં. યક્ષનું મૂળ નામ સૂરપ્રિય હતું, પરંતુ લોકોમાં તેની ખ્યાતિ પૂજા સત્યદેવના નામે હતી.
આ યક્ષની દર વરસે યાત્રા ભરાતી. તે પ્રસંગે યક્ષની મૂર્તિને ચીતરવામાં આવતી. ચિત્રકાર યક્ષને આબેહૂબ રંગ અને રેખામાં ઉતારતો. પરંતુ યક્ષ એ ચિત્રકારને ચિત્ર ચીતરી લીધા બાદ મારી નાંખતો અને એમ કોઈ જો પોતાનું ચિત્ર ચિતરવા તૈયાર ન થાય તો તે લોકોને અનેક પ્રકારનો ત્રાસ આપતો. ચિત્ર તૈયાર કરવામાં એક વ્યક્તિનું મોત થતું હતું અને તેમ ન ચીતરાવવામાં અનેકને ત્રાસ સહન કરવો પડતો. યક્ષના આવા ત્રાસથી તમામ ચિત્રકારો સાતપુર છોડી બીજે ગામે ચાલ્યા ગયાં.
ચિત્રકારો ચાલ્યા જાય તો યક્ષનું ચિત્ર કોણ ચિતરે? અને ચિત્ર જ ન ચીતરાય તો બાકીની પ્રજાનું શું થાય? વિશાળ પ્રજાના સંભવિત ભયથી રાજાએ બધા ચિત્રકારોને પાછા બોલાવ્યાં. તેમને ભેગા કરી પરિસ્થિતિ સમજાવી અને એક વચલો રસ્તો કાઢ્યો.
મેળાના સમયે બધા ચિત્રકારોના નામની ચિઠ્ઠી લખાવી એક ઘડામાં ભરવી. કુમારી કન્યા પાસે તેમાંથી એક ચિઠ્ઠી કઢાવવી. જેની ચિઠ્ઠી પ્રથમ નીકળે તે ચિત્રકારે યક્ષનું ચિત્ર ચીતરી મૃત્યુને વધાવી લેવું એમ નક્કી થયું.
આમ નક્કી થયું તે જ વરસે કૌશાંબીનગરીનો એક ચિત્રકાર સાતપુર પોતાની ચિત્રકળા બતાવવા માટે આવ્યો. આ ચિત્રકાર એક વૃદ્ધાને ત્યાં ઉતર્યો. આ વૃદ્ધાને એક પુત્ર હતો. પુત્ર ચિત્રકાર હતો. મેળાના સમયે યક્ષનું ચિત્ર ચીતરવા માટે તેના જ નામની ચિઠ્ઠી નીકળી. વૃદ્ધાએ એ જાણ્યું ત્યારે તેના શોકનો પાર ન રહ્યો. એકનો એક પુત્ર હવે આંખ સામે અકાળે મરી જવાનો એ વિચારથી વૃદ્ધા કારમું કલ્પાંત કરવા લાગી.
વૃદ્ધાને હૈયાફાટ રડતી જોઈ કૌશાંબીના ચિત્રકારે રડવાનું કારણ પૂછ્યું. હકીકત જાણી તેણે વૃદ્ધાને કહ્યું: “મા ! તમે રડવાનું બંધ કરો. તમારા પુત્રને હું મરવા નહિ દઉં.”
બેટા એ શક્ય જ નથી. ચિત્ર પૂરું થઈ ગયા પછી યક્ષ ચિત્રકારને મારી જ નાંખે છે. મારો પુત્ર પણ બીજા ચિત્રકારોની જેમ જ યમલોકમાં પહોંચી જશે.” વૃદ્ધાએ રડતાં રડતાં કહ્યું.
મા! એ હું જાણું છું. છતાંય હું તમારા પુત્રને મરવા નહિ દઉં. આજે તમને કહું છું કે હું પણ એક ચિત્રકાર છું. હું એ યક્ષનું ચિત્ર દોરીશ અને મારા મોતને વધાવી લઈશ.