________________
૧૯૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૧૨
દેવદ્રવ્ય-ભક્ષણનો દોષ આ વ્યાખ્યાનમાં દેવદ્રવ્ય ઓળવવાથી લાગતા દોષ અંગે કહેવામાં આવે છે ?
अक्षतादिकद्रव्यस्य, भक्षको दुःखमाप्नुयात् ।
तत्त्तो यत्नतो रक्ष्यं, देवद्रव्यं विवेकिना ॥ ભાવાર્થ:-અક્ષત વગેરે દેવદ્રવ્યનું ભક્ષણ કરનારા દુઃખ પામે છે, આથી વિવેકી પુરુષોએ દેવદ્રવ્યનું કાળજીપૂર્વક રક્ષણ કરવું. આ સંબંધમાં શુભંકર શ્રેષ્ઠિની કથા પ્રેરક છે. તે આ પ્રમાણે :
શુભંકર શ્રેષ્ઠિની કથા કાંચનપુર નામે એક નગર હતું. તેમાં શુભંકર નામે એક શ્રેષ્ઠિ રહેતો. શુભંકર સંસ્કારી અને સરળ સ્વભાવવાળો હતો. જિનપૂજા અને ગુરુવંદના કરવાનો તેને નિયમ હતો.
એક સવારે તેણે જિનપૂજા કરવાના સમયે રંગમંડપમાં દિવ્ય અક્ષતના ત્રણ નાના ઢગલા જોયાં. આ અક્ષત અલૌકિક હતાં અને તેની સુગંધ તન-મનને તરબતર કરી મૂકતી હતી. શુભંકરની દાઢ સળવળી ઊઠી. તેણે વિચાર્યું : “આ ચોખાના ભાત ખાધા હોય તો દિવસો સુધી તેનો સ્વાદ દાઢમાં રહી જાય.”
દેરાસરના, જિનેશ્વર ભગવંતને ધરેલા અક્ષત તો લઈ જવાય નહિ. આથી શુભંકરે રસ્તો કાઢ્યો. એ સુગંધી ચોખાની તેણે ચોરી ન કરી પરંતુ એટલા જ પ્રમાણમાં ચોખા પોતાના ઘરેથી લાવીને દેરાસરમાં મૂક્યાં. આમ તેણે ચોખાની બદલી કરી. એ ચોખા બદલી લઈ તેની ખીર બનાવી. ખીરની સુગંધ ચારે બાજુ પ્રસરી ઊઠી.
એ સમયે માસક્ષમણના તપસ્વી મુનિ તેના ઘરે ગોચરીએ પધાર્યા. શુભંકરે ગુરુભક્તિથી પેલા દિવ્ય અક્ષતની બનેલી ખીર વહોરાવી. મુનિ હોરીને ઉપાશ્રય તરફ ચાલ્યાં.
ખીર પાતરામાં કાળજીપૂર્વક ઢાંકેલી હોવા છતાં તેની સુગંધ છાની રહેતી નહોતી. એ સુગંધ મુનિને પજવી ગઈ. તેમનું મન ન કરવાના વિચાર કરવા લાગ્યું : “ખરેખર ! આ શેઠ ભાગ્યશાળી છે. મારા કરતાં ય તે વધુ ભાગ્યવાન છે. કારણ કે તે રોજ આવું સુગંધી સ્વાદિષ્ટ ભોજન લઈ શકે છે. જ્યારે હું તો રહ્યો સાધુ. મને તો જે મળે તેવું જ રોજ ખાવાનું. પણ આજે મારાય ભાગ્ય ઉઘડી ગયાં. મને આજે સ્વાદિષ્ટ અને સુગંધી ખીર ખાવા મળશે.”
મુનિ આમ દુર્થાન ધરતાં ધરતાં ઉપાશ્રય સુધી આવી પહોંચ્યાં. ત્યાં તેમને બીજો કુવિચાર આવ્યો : “ગુરુને આ ગોચરી બતાવીશ અને તેની સુગંધથી એ ખીર બધી જ તેઓ ખાઈ જશે તો? આવી શંકાથી મુનિએ ગોચરી બતાવી જ નહિ અને પોતે જ ખાઈ ગયાં.