________________
૧૬૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ ત્યાર પછી આચાર્ય ભગવંતે બતાવેલ વિધિ પ્રમાણે કુમારપાળ રાજાએ રાયણ વૃક્ષની અને પ્રભુની પાદુકાની પૂજા કરી પછી તેણે ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો.
પ્રભુના દર્શન કરી તેનો આત્મા ભાવવિભોર બની ગયો. અપલક નજરે હર્ષભીની આંખે પ્રભુના મુખને જોઈ રહ્યો અને પછી અંતરના ય અંતરથી ઉલ્લસતા હૈયે ભગવાનની સ્તુતિ કરી અને નવલક્ષ મૂલ્યનાં નવ મહારત્નો વડે નવ અંગે પૂજા કરી અને મનમાં બોલ્યાં :
આજે હું ધન્ય છું. આ વિશ્વને પાવન કરનાર શ્રી જિનેન્દ્ર ભગવંતનું શાસન પામીને મારો આ માનવભવ સફળ થયો છે.
પછી ઈન્દ્રમાળ પહેરાવવા માટે સંઘ ભેગો થયો. તેની ઉછામણી બોલાવા માંડી. વાંમ્ભટ્ટ મંત્રી ઈન્દ્રમાળ પહેરાવવા માટે ચાર લાખ દ્રવ્યની પ્રથમ ઉછામણી બોલ્યો, કુમારપાળે આઠ લાખ દ્રવ્ય કહ્યાં, વામ્ભટ્ટ સોળ લાખ કહ્યાં. રાજાએ બત્રીસ લાખ કહ્યાં. ત્યાં એક ગૃહસ્થ સવા કરોડ દ્રવ્યની ઉછામણી બોલ્યાં.
રાજા આટલો બધો આંક સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયો. તે બોલ્યો : “ઈન્દ્રમાળ એ ભાઈને પહેરવા આપો.”
એ સાંભળતા અતિ સામાન્ય એવો એક ગૃહસ્થ ભીડમાંથી રાજા પાસે આવ્યો. તેને જોઈ કુમારપાળને વિશ્વાસ ન આવ્યો કે આ કંગાળ સવા કરોડ દ્રવ્ય આપશે. તેણે કહ્યું: “જગડુશા ! પ્રથમ સવા કરોડ દ્રવ્યની ખાતરી કરાવો.”
જગડુશાને આથી દુઃખ થયું. તેણે કહ્યું: “રાજનું! દેવ-ગુરુ તેમજ સંઘપતિ સમક્ષ કોઈ જુઠું બોલે નહિ. હું અસત્ય નથી બોલતો” અને જગડુશાએ સવા કરોડ દ્રવ્યના મૂલ્યનું એક રત્ન કુમારપાળના હાથમાં મૂક્યું.
રત્ન જોઈ કુમારપાળને પોતાની ભૂલ સમજાઈ. તેણે જગડુશાની ક્ષમા માંગી. તેને ભેટીને કહ્યું: “જગડુશા! મારા સંઘના તમે જ મુખ્ય સંઘપતિ છો. અડસઠ તીર્થરૂપ ઈન્દ્રમાળને જગડુશાએ પોતાની માતાને પહેરાવી.”
એ પછી કુમારપાળે પૂજાના સોનાનાં ઉપકરણો પ્રાસાદમાં મૂકીને પાંચ શક્રસ્તવ વડે દેવવંદન કર્યું. ત્યાર પછી સંઘ સહિત શ્રી પુંડરિકગિરિને ચારે તરફ પટકુળ વગેરે પરિધાન કરાવી અનુક્રમે નીચે ઉતરી પાલિતાણામાં આવ્યાં.
ત્યાં આચાર્યશ્રીએ કહ્યું: “આ શ્રી શત્રુંજયગિરિનું પાંચમું શિખર ગિરનાર છે. વાંદવાથી પણ શ્રી શત્રુંજયગિરિની વંદના જેટલું જ ફળ પ્રાપ્ત થાય છે.”
એ પછી કુમારપાળ શ્રી સંઘ સહિત ગિરનાર આવ્યો. ત્યાં તેઓ સૌએ ભક્તિભાવથી જિનપૂજા કરી. ભગવાન શ્રી નેમિનાથની વિજય અને અતિશયવાળી પ્રતિમા જોઈ કુમારપાળે આચાર્યશ્રીને પૂછ્યું: “આ પ્રતિમા કોણે અને ક્યારે ભરાવી?”